નખત્રાણાની શાકમાર્કેટ ક્યારે બનશે

નખત્રાણાની શાકમાર્કેટ ક્યારે બનશે
નખત્રાણા, તા. 8 : આ તાલુકા મથકની ત્રીસેક હજારની વસ્તી છતાં જિલ્લાની સૌથી મોટી નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતે શાકમાર્કેટ બનાવવા કોઈ તજવીજ હાથ ન ધરતાં ગૃહિણિઓ સહિતના શાકભાજી ખરીદવા નીકળતા લોકોને પરેશાની ભોગવવી પડે છે. મોટાભાગના કાછિયા જાહેર માર્ગો પર રેંકડી રાખી શાકભાજી વેચાણ કરે છે. બે-ચાર શાકભાજીની દુકાનોને બાદ કરતાં  એક જગ્યાએ લોકો શાકભાજી ખરીદી શકે તેવી કોઈ વ્યવસ્થા નથી. અગાઉ વથાણચોક પાસેની જૂથી કન્યાશાળાનું જર્જરિત મકાન તો તોડી પાડવામાં આવ્યું પણ ત્યાં શાકમાર્કેટ બનાવવાની વાત હજુ વાત જ રહી ગઈ. સગવડના અભાવે કાછિયા નાછૂટકે રેંકડી ઉપર ફળ અને શાકભાજી વેચી આજીવિકા રળે છે. તેમને ક્યારેક ટ્રાફિક પોલીસના રોષનો ભોગ બનવું પડે છે. તો સાથે ગ્રામપંચાતની હદમાં ગામતળમાં ઊભતા કે હાઈવે માર્ગ પર ઊભતા નાના ધંધાર્થીઓ પાસે ગ્રામ પંચાયત કોઈ કર ઉઘરાવતી જ નથી. પંચાયતના અંતરંગ વર્તુંળોમાંથી જાણવા મળ્યું કે, ગ્રામપંચાયત અગાઉ રોજે-રોજનું ભાડું ઉઘરાવતી, પરંતુ કોઈ ધંધાર્થીઓ પહોંચ ન બનાવતાં આખરે આ ભાડું ગ્રામ પંચાયતે ઉઘરાવવાનું બંધ કર્યું. વિકસતા જતા આ નગરને નગરપાલિકાનો દરજ્જો મળતાં વિકાસના કામો માટે ગ્રાન્ટો વધુ આવવાની છે. થોડાક સમયમાં વહીવટદારની પણ નિમણૂક થઈ જવાની છે, ત્યારે ભુજ-લખપત હાઈવે માર્ગ પરના સુખપર ગામમાં પંચાયત દ્વારા પતરાંના શેડ નાખી થળા બનાવી જે રીતે શાકભાજીની માર્કેટ બનાવવામાં આવી છે તે રીતે માર્કેટ બને તો પંચાયતને આવક થાય અને નાના શાકભાજીવાળા રેંકડી પર ધંધો કરે છે તેમને નિરાંત થાય.

© 2023 Saurashtra Trust