ટીમ ઇન્ડિયા ઘરઆંગણે શ્રીલંકા, ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે

નવી દિલ્હી, તા.8: વર્ષ 2023ના ઘરઆંગણે રમાનાર આંતરારાષ્ટ્રીય ક્રિકેટ કાર્યક્રમની બીસીસીઆઇએ આજે જાહેરાત કરી છે. ટીમ ઇન્ડિયા આવતા વર્ષે ભારતમાં શ્રીલંકા, ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ટકરાશે. જેની શરૂઆત તા. 3 જાન્યુઆરીથી થશે. શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 અને ત્રણ વન ડેની શ્રેણી શરૂ થશે. આ પછી 18 જાન્યુઆરીથી ન્યુઝિલેન્ડ વિરુદ્ધ ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચની સિરીઝ શરૂ થશે જ્યારે 9 ફેબ્રુઆરથી ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર સિરીઝ અંતર્ગત ચાર ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ થશે. આ પછી કાંગારુ ટીમ ભારતમાં 17 માર્ચથી ત્રણ મેચની વન ડે શૃંખલા રમશે. -ભારત અને ઓસ્ટ્રેલિયાના વચ્ચેની ચાર ટેસ્ટની શ્રેણી નાગપુર, દિલ્હી, ધર્મશાલા અને અમદાવાદ ખાતે રમાશે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો હશે. નાગપુરમાં રમાનાર પહેલી ટેસ્ટ મેચ 9થી 13 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. બીજો મેચ દિલ્હીમાં 17થી 21, ત્રીજો મેચ ધર્મશાલા ખાતે એકથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન રમાશે. શ્રેણીનો આખરી અને ચોથી ટેસ્ટ મેચ 9થી 13 માર્ચ દરમિયાન અમદાવાદમાં રમાશે. આ પછી બન્ને ટીમની ત્રણ મેચની વન ડે ટક્કર થશે. જેના મેચ મુંબઈ વિશાખાપટ્ટનમ અને ચેન્નાઇમાં ક્રમશ: 17, 19 અને 22 માર્ચે રમાશે. -શ્રીલંકા સામેની હોમ સિરીઝની શરૂઆત ટી-20 ટક્કરથી થશે. જેના ત્રણ મેચ ત્રણ, પાંચ અને સાત જાન્યુઆરીએ અનુક્રમે મુંબઈ, પૂણે અને રાજકોટમાં રમાશે. વન ડે મેચ ગુવાહાટી, કોલકતા અને ત્રિવેન્દ્રમ ખાતે અનુક્રમે 10, 12 અને 1પ જાન્યુઆરીએ રમાશે. -ન્યુઝિલેન્ડ સામેના ત્રણ વન ડેની શ્રેણીનો આરંભ 18 જાન્યુઆરીથી થશે. જે હૈદરાબાદ, રાયપુર અને ઇન્દોરમાં રમાશે જ્યારે ટી-20 શ્રેણીના ત્રણ મેચ 27, 29 અને 1 ફેબ્રુઆરીએ રાંચી, લખનઉ અને અમદાવાદમાં રમાશે.

© 2023 Saurashtra Trust