નખત્રાણા નવાજ્યું, અબડાસામાં પ્રદ્યુમનસિંહની હેટ્રિક

ભુજ, તા. 8 : એક ઉમેદવારને અબડાસાનો મતદાર સતત બીજીવાર ચૂંટીને વિધાનસભામાં મોકલતો નથી, તેવું મ્હેણું અગાઉ જ 2020ની પેટાચૂંટણીમાં ભાંગી ચૂકેલા ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજાએ ગુરુવારે 9431 મતની સરસાઈ સાથે જીતની હેટ્રિક કરીને અબડાસાની અનોખી તાસીર ધરાવતી રાજનીતિમાં ઈતિહાસ રચી દીધો હતો. તેમના સીધા હરીફ એવા કોંગ્રેસ તરફથી પહેલીવાર ચૂંટણી લડનાર મામદ જુંગ જતને 70764 મત મળ્યા હતા, જ્યારે પ્રદ્યુમનસિંહને 80,195 મત મળ્યા હતા. રાજ્ય અને રાષ્ટ્રના સૌથી મોટા અબડાસા વિધાનસભા મત વિસ્તારમાંથી કુલ્લ 1,63,172 મતદારોએ મતદાન કર્યું હતું. હાર-જીતનું અંતર 10 હજાર કરતાં ઓછા મતનું રહ્યું. કુલ્લ 2942 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. ભુજ શહેરની ઈજનેરી કોલેજમાં આજે સવારથી અર્ધલશ્કરી દળોના જવાનો તેમજ પોલીસ જવાનોના સજ્જડ બંદોબસ્ત વચ્ચે કચ્છની તમામ છ વિધાનસભા બેઠકોની મતગણતરીનો વ્યાયામ કરાયો હતો. અપક્ષ તરીકે ઝંપલાવનાર હકૂમતસિંહ જુવાનસિંહ જાડેજાને 3502 મત મળ્યા હતા, તો અન્ય અપક્ષ ઉમેદવાર મમુભાઈ માંડા રબારીને 1735 મત મળ્યા હતા. નાગશી ખમુભાઈ મેઘવાળને 1042 મત મળ્યા હતા. કુલ્લ ચાર અપક્ષ ઉમેદવારો કુલ્લ 6729 મત મેળવી શકયા હતા અને તમામ અપક્ષોએ ડિપોઝિટ ગુમાવી હતી. `આપ'ના વસંત ખેતાણીને 1704 મત મળ્યા હતા, તેની સાથે સપા, બસપા અને પ્રજા વિપક્ષ પક્ષના ઉમેદવારો કંઈ જ ઉકાળી શકયા નહોતા. બે મુખ્ય ઉમેદવાર અને ત્રીજા અપક્ષના હકૂમતસિંહ જાડેજા ઉપરાંત ચોથું સ્થાન `નોટા'નું રહ્યું હતું. કુલ્લ 379 બૂથ પરથી મતગણતરી થઈ હતી. મતગણતરી નવેક વાગ્યાથી શરૂ થઈ ત્યારે પ્રથમ રાઉન્ડમાં કેસરિયા પક્ષને સરસાઈ મળી હતી. ત્યારબાદ લગભગ સાત રાઉન્ડ સુધી મતદારોએ કોંગ્રેસને સરસાઈ આપી હતી. પાંચમા રાઉન્ડ સુધીના આંકડા પર નજર કરતાં કોંગ્રેસના મામદ જુંગ જતને લખપતે લાડ લડાવ્યા હતા. આઠમા રાઉન્ડથી પણ 15મા રાઉન્ડ સુધી એટલે કે, લગાતાર આઠ દોર સુધી કોંગ્રેસની એકધારી સરસાઈ જળવાઈ રહી હતી. ત્યારપછી 16મા રાઉન્ડમાં અબડાસા તાલુકાના હાજાપર, કનકપર, નુંધાતડ, ચિયાસર સહિત ગામડાંઓના મતદારોએ ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાને એક હજારથી વધુ મતોની સરસાઈ આપી હતી. ત્યારબાદ 17મા રાઉન્ડથી નખત્રાણાની મતપેટીઓ ખૂલવા માંડી હતા. 17મા અને 20મા રાઉન્ડને બાદ કરતાં મતદાન કેસરિયા પક્ષના પક્ષમાં જ થયાનું આંકડા બતાવે છે. એકલા નખાત્રણાના કુલ્લ 8400 મતદાનમાંથી 5300 જેટલા મતોની સરસાઈ અપાવીને પ્રદ્યુમનસિંહ પર નખત્રાણા નવાજી ગયું હતું. ભાજપના ઉમેદવાર શ્રી જાડેજાની જીતની હેટ્રિકમાં નખત્રાણાના મતદારોની ભૂમિકા ચાવીરૂપ બની રહી હતી. દરમ્યાન 19મા રાઉન્ડ વખતે કોટડા (જ.)ની મતગણતરી વખતે મશીનમાં ખામી આવી જતાં ગણતરી અટકી ગઈ હતી. નવી બેટરી નખાયા પછી છેલ્લે આ ગણતરી કરાઈ હતી. અપક્ષ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતની સરસાઈમાં ઘટાડો કરવા સિવાય પરિણામ પર નક્કર પ્રભાવ પાડી શકયા નહોતા. આમ ત્રીજા પરિબળ તરીકે તેમની કોઈ નિર્ણાયક ભૂમિકા કે અસર રહી નહોતી. મતગણતરી કેન્દ્રની અંદર અને બહાર પરિણામની ઉત્સુકતાભેર રાહ જોતા સમર્થક સમુદાયમાં એક ચર્ચાઓ એકી અવાજે થતી સાંભળવા મળી હતી કે, નખત્રાણાને નગરપાલિકાની જાહેરાતે કેસરિયા પક્ષની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના ડાબા હાથની જેમ સતત સાથે રહીને મહેનત કરનાર પાયાના કાર્યકર ચંદનસિંહ રાઠેડે મતદારોની નિકટ રહ્યા હોવાનું કહેતાં કરેલી નખત્રાણા તરફથી પાંચ હજાર કરતાં વધુ મતોની સરસાઈની આગાહી સાચી પડી હતી. ચંદનસિંહે સતત આંકડા આપીને નખત્રાણા જીત અપાવશે એવી ધારણા સાચી પડી ને 5300 વોટની લીડ મળી હતી. મતગણતરીના 21મા દોરથી જ નખાત્રણા તાલુકાના નિરોણા, બિબ્બર, વંગ, ડાડોર, નાની વિરાણી, રામપર,નાના અંગિયા, વિઝોડા,  થરાવડા, મોટી વિરાણી, અરલ નાની, લાખિયાવીરા, દેવીસર, હીરાપર, વેડહાર, પાલનપુર બાંડી, સાયરા, ભડલી, મંજલ, મંગવાણા, જિયાપર, સુખપર, રોહા સહિત ગામડાંઓના મતદારોએ મતદાન કરી ભાજપ ઉમેદવારને જીતની હેટ્રિક કરવામાં મદદ કરી હતી. આજે અબડાસાના કાઉન્ટિંગ હોલમાં એકબાજુ કેસરિયા પાસે ચનુભા જાડેજા, જયદીપસિંહ જાડેજા, જીવરાજ ગઢવી, મહેશ ભાનુશાલી, વિક્રમસિંહ જાડેજા, જયસુખ પટેલ, લાલજી રામાણી, નરેન્દ્રસિંહ જાડેજા, અરવિંદ શાહ જેવા કાર્યકરોની ફોજ તૈનાત હતી તો સામે કોંગ્રેસમાં એકલા પી. સી. ગઢવી દોડધામ કરતા હતા. જો કે, બહાર કિશોરસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, રાજેશ આહીર, ઇકબાલ મંધરા હાજર હતા. કચ્છની તમામ છ વિધાનસભા બેઠકો માટે મતગણતરીની સાતેક કલાક સુધી ચાલેલી મેરેથોન કવાયત દરમ્યાન જિલ્લા પ્રશાસનના અધિકારી, કર્મચારીઓની ટીમની સાથોસાથ પોલીસતંત્ર તેમજ અર્ધલશ્કરી દળના જવાનોએ સતત પગ વાળ્યા વિના ખડેપગે સુરક્ષામાં તૈનાત રહીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસ તરફથી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હોવા છતાં મુસ્લિમ ઉમેદવાર મામદ જુંગ જતે 70 હજાર કરતાં વધુ મતો મેળવીને ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે મજબૂત લડત આપી હતી. ચૂંટણીના ચક્રાવા દરમ્યાન કચ્છમિત્રની ટીમે જ્યારે પ્રવાસ કર્યો ત્યારે લખ્યું હતું કે નખત્રાણા નિર્ણાયક બનશે અને એ આજે પરિણામ વખતે સાચું પડયું હતું. પ્રદ્યુમનસિંહને નખત્રાણાએ ફરી જીતાડયા હતા.

© 2023 Saurashtra Trust