અંજારમાં ભાજપનો લાડુ મીઠો : ત્રિકમભાઈ વિજેતા

ભુજ, તા. 8 : ગુજરાત વિધાનસભાની 4-અંજાર બેઠક ઉપર રતનાલ-સાપેડાના આહીરો વચ્ચે ખેલાયેલો જંગ તમામ અનુમાનોને હડસેલી દઇને એકતરફી બની ગયો હતો. આ બેઠકના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ત્રિકમભાઇ છાંગા `માસ્તર'નો આજે યોજાયેલી મતગણતરીના અંતે 37,709 મતની સરસાઇથી આસાન વિજય થયો હતો. આહીર મતદારોને ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર રૂપી બે લાડુ હાથમાં હતા અને મતદારોએ ભાજપના લાડુને મીઠો કર્યો હતો. આમ આદમી પક્ષે આ બંને રાજકીય પક્ષોની ટક્કરમાં નાખેલું લંગર ખાસ કામ નહીં કરતાં કેસરિયા પક્ષે જ્વલંત જીત સાથે આ બેઠક જાળવી રાખી હતી. વિજયની જાહેરાત થતાં જ ભાજપી કાર્યકરોમાં ઉત્સાહ પ્રસર્યો હતો. અહીંની ઇજનેરી કોલેજમાં આજે હાથ ધરાયેલી મતગણતરી પ્રક્રિયા સમયસર શરૂ થઇ હતી અને અંજાર વિભાગના રાઉન્ડ ઝડપથી આટોપાવા માંડયા હતા. 21 રાઉન્ડની ગણતરીને અંતે ભાજપના ત્રિકમભાઇને 99,076 જ્યારે નજીકના હરીફ કોંગ્રેસના રમેશભાઇ ડાંગરને 61,367 મત મળ્યા હતા. આપના ઉમેદવાર અરજણ રબારીને 7335 મત નસીબ થયા હતા. નોટાનો આંકડો 1062 મતનો હતો. ભુજ અને અંજાર તાલુકાના ગામો તથા અંજાર શહેર એમ તમામ સ્થળે ભાજપને સતત સરસાઇ મળી હતી. પ્રથમ રાઉન્ડમાં ભાજપે 351 મતની પાતળી સરસાઈ સાથે વિજય તરફ ડગ માંડયા હતા. ચોથા રાઉન્ડમાં તો સરસાઇ ત્રણ હજારથી વધી ગઇ હતી. તમામ 21 રાઉન્ડમાં ક્યાંય કોંગ્રેસને પાતળી પણ સરસાઇ હાથ લાગી ન હતી. આ વખતે ચૂંટણીપંચે દરેક રાઉન્ડને અંતે કોઇ પણ બે ટેબલના ઇલેકટ્રોનિક વોટિંગ મશીનની પુન: ચકાસણીનો નિર્ણય લીધો હોવાથી મતગણતરી પ્રક્રિયામાં થોડો વિલંબ ચોક્કસ થતો હતો, પરંતુ સરવાળે પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલતી રહી હતી. ભાજપે અડધા રાઉન્ડ પૂર્ણ થાય ત્યાં સુધી અજેય સરસાઇ હાંસલ કરી લેતાં પછી તો જાણે ઔપચારિકતા જ બચી હોય તેવો માહોલ ખડો થયો હતો. વિજય નજીક જણાતાં ભાજપના ઉમેદવાર ત્રિકમભાઇ ગણતરી સ્થળે આવી પહોંચ્યા હતા. શરૂઆતમાં ભાજપ ઉમેદવાર વતીથી ત્રિકમભાઇ વી. આહીર અને કાનજીભાઇ જીવાભાઇ આહીર હાજર રહ્યા હતા. મતદાન પહેલાં `કચ્છમિત્ર'એ ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કર્યો ત્યારે ભૂતકાળમાં થતું આવ્યું હતું તેમ 50/50 ટકા જીતના અનુમાન વ્યકત થયાં હતાં. એક વયોવૃદ્ધ મતદારે આહીરોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક માટે બંને ઉમેદવારો આહીર હોવાથી એક તરફ ધર્મસંકટ તો બીજી તરફ બંને હાથમાં લાડુ હોવાનું જણાવ્યું હતું. આજે મતગણતરીના અંતે 50-50 ટકાવાળી વાત ક્યાંય જણાઇ નહીં અને લગભગ બધાં જ ગામોમાં ભાજપને સરસાઇ મળી હતી. તેમાંય ભુજ તાલુકાના પટેલોનું પ્રભુત્વ ધરાવતા ગામોવાળા પાંચમા રાઉન્ડમાં ભાજપના ઉમેદવારને બેવડા તો 12મા અને 16મા રાઉન્ડમાં ત્રણ ગણા મત મળ્યા હતા. આમ ભાજપની સરસાઇ સતત વધતી ચાલી હતી. 37 હજાર ઉપરાંતની આ સરસાઇ અંજાર બેઠક માટે નજીકના ભૂતકાળની સરખામણીએ વિક્રમી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. આ બેઠક ત્રણેય અપક્ષ તેમજ બસપના એક એમ ચાર ઉમેદવારો ખાસ નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યા નહોતા. બસપ તથા અપક્ષ કરતાં કોઇને મત નહીં વાળા `નોટા'એ સારું પ્રદર્શન કર્યું હતું. નોટામાં કુલ 2485 મત પડયા હતા. બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામ લગભગ નક્કી થઇ જતાં ભાજપના કાર્યકરોમાં વિજયનો કેફ જણાવા માંડયો હતો. તેમણે વિજય સરઘસની તૈયારીઓ કરવા માંડી હતી.

© 2023 Saurashtra Trust