માંડવીના ધારાસભ્ય સ્વ. નૌશીરભાઈ દસ્તુર આખર સુધી ભાડાંનાં મકાનમાં રહ્યા

માંડવી, તા. 8 (પ્રતિનિધિ દ્વારા) : અહીંના દિવંગત ધારાસભ્ય અને પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. નૌશીરભાઈ દોરાબજી દસ્તુરની પ0મી પુણ્યતિથિએ નદી પાર મોટા સલાયા વિસ્તારમાં `પારસી આરામગાહ' ખાતે પરિવાર આયોજિત પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. પાંચ દાયકાઓ પહેલાં સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં સામેલ એવા અડધો ડઝન જેટલા ચાહકોએ અડધી સદી અગાઉના સ્મરણો અને સમર્પિત લોક નેતાની સંવેદનશીલતાને વાગોળ્યા હતા. આ અવસરે નગર સેવા સદનના અધ્યક્ષા હેતલબેન સોનેજી સાથે કારોબારી સમિતિના ચેરપર્સન જિજ્ઞાબેન હોદારે ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. અનેકવિધ ક્ષેત્રે સમાજસેવાઓમાં મહત્ત્વનું યોગદાન આપતાં રાજકારણને સેવા અર્થે સાધના નહીં, બલ્કે સાધન સ્વીકારનારા સ્વ. નૌશીરભાઈ દસ્તુરે આખરી શ્વાસ ભર્યા ત્યાં લગી ભાડાંનાં મકાનમાં રહ્યા. એ સાદગીનો ઉલ્લેખ પત્રકાર દેવેન્દ્ર વ્યાસે કર્યો હતો. નગર અધ્યક્ષાએ `પારસી આરામગાહ'ને શહેરની ઓળખ તરીકે આગળ કરતાં પાલિકાના પ્રથમ પ્રમુખ સ્વ. દસ્તુરની કબર ઉપર પુષ્પો ધર્યા હતા. કા. સમિતિના ચેરપર્સન જિજ્ઞાબેન હોદાર, ઓ.એસ. કાનજીભાઈ શિરોખા, નગર સેવક રાજેશભાઈ કાનાણી, મુકેશ ગોહિલ, ચેતન જોશી, જયેશ ભેડા, ભૂપેન્દ્ર સલાટ, રમેશભાઈ ઉપરાંત મુસ્તાકભાઈ એસ. ખત્રી, પૃથુરાજ દવે, પૂર્વ નગરસેવક ઉમરભાઈ કેવર વગેરેએ ફૂલો અર્પણ કર્યા હતા. દિવંગતને અંતિમ વિદાય આપનારા નારાણભાઈ સુરા મહેશ્વરી, ઉમરભાઈ કેવર, શિવરાજભાઈ ગઢવી, દુર્લભજી મકવાણા (કુમાર દીપ), લાલજીભાઈ પાતારિયા વગેરે સાક્ષીભાવ પ્રદશિત કર્યા હતા. આ અગાઉ સ્વર્ગસ્થના પુત્ર લવ દસ્તુર-સીમા દસ્તુર દંપતી સાથે પૌત્રીઓ હની અને પૂજાએ અગ્નિની સાક્ષીએ પ્રાર્થના કરી હતી. પરિવાર - આપ્તજનોમાં ડો. સોનલ છાયા, અમીતા શાહ, તારક શાહ, ડો. મહેશી છાયા, એજલીના શાહ વગેરેએ ભાવાંજલિ અર્પી હતી. ભુજથી પારસી અગિયારીની દેખભાળ સંભાળનારા અબુબકર કુંભાર જોડાયા હતા.