રતનાલ-સાપેડાએ પોતપોતાના ઉમેદવારોને દિલથી મત આપ્યા

ભુજ, તા. 8 : વિધાનસભા ચૂંટણી જંગમાં અંજાર બેઠક માટે થયેલા મતદાનની આજે હાથ ધરાયેલી ગણતરી દરમ્યાન કેટલીક રસપ્રદ વાતો બહાર આવી હતી આ બેઠક ઉપર રતનાલ અને સાપેડાના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ હોવાથી આ બન્ને ગામોએ પોતપોતાના ઉમેદવારોને દિલથી મત આપ્યા હતા. ભાજપના ત્રિકમભાઈને રતનાલ ગામના સાત બૂથમાં અનુક્રમે 574, 535, 328, 289, 413, 289 અને 619 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 167, 190, 171, 123, 185, 160, 426 મત પ્રાપ્ત થયા હતા. સામી તરફ સાપેડામાં સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર રમેશભાઈને બે બૂથમાં 862 અને 500 મત જ્યારે ભાજપને 129 તથા 131 મત મળ્યા હતા. નિંગાળમાં પણ કોંગ્રેસને બે બૂથમાં 408 તથા 312 મત જ્યારે ભાજપને 262 તથા 161 મત મળ્યા હતા. કેસરિયા પક્ષને મેઘપર (બો.) તથા મેઘપર (કું.)માં માર પડશે એવા વહેતા થયેલા અનુમાન તથા આ વાત ગંભીર જણાતા ભાજપે અંજારમાં યોજેલી વડાપ્રધાનની એક માત્ર ચૂંટણી સભામાં આ ગામના લોકો-કાર્યકરોને કેસરી સાફા દ્વારા અલગ બતાવી, અલગ સ્થળે બેસાડીજને કરેલા મજબૂત થવાના પ્રયાસને જાણે સફળતા મળતી હોય તેમ મેઘપર (બો.)ના 14 બૂથ પૈકી માત્ર એક જ બૂથમાં કોંગ્રેસને સરસાઈ મળી હતી. મેઘપર (કુ.ં)માં પણ ભાજપ નબળો પડશે તેવી ગણતરી ઊંધી વળી ગઈ હતી. અંજાર શહેરમાં ગત વખતની માજી ધારાસભ્ય વાસણભાઈ આહીરની ચૂંટણીમાં 7200 મતની સરસાઈ મળી હતી, જ્યારે આ વખતે આ સરસાઈ વધીને 14,474 જેટલી થઈ હતી. શહેરમાં ભાજપને 26053 જ્યારે કોંગ્રેસને 11579 મત મળ્યા હતા. જિલ્લા પંચાયતના મેઘપર બેઠક ઉપર ભાજપને 7153, રતનાલ બેઠક ઉપર 2613, ખેડોઈ 1788 અને ભીમાસર બેઠક વિસ્તારમાં 1263 મતની સરસાઈ મળી હતી. શહેર-તાલુકામાં ભાજપના માજી ધારાસભ્ય ઉપરાંત તેમના પુત્ર ત્રિકમભાઈ, બાબુભાઈ ભીમા, કાનજીભાઈ જીવાભાઈ આહીર, ત્રિકમભાઈ છાંગાના પુત્ર મુકેશભાઈ વગેરેએ સતત મહેનત કરી હતી.

© 2023 Saurashtra Trust