અંજારમાં વાહન રાખવા મુદ્દે થઇ બબાલ : બે સામે ફરિયાદ

ગાંધીધામ, તા. 8 : અંજારનાં જી.આઇ.ડી.સી.માં હોટેલ આગળ વાહન રાખવા મુદ્દે મારામારી થઇ હતી, જેમાં બે લોકોને ત્યાં જ બેસાડી પોલીસ બોલાવાઇ હતી. પોલીસે આ વાહનની તલાશી લેતાં તેમાંથી 7 કવાર્ટરિયા, તલવારો, છરી નીકળી પડતાં પોલીસે અલાયદી ફરિયાદ નોંધી હતી. અંજારના નવાનગરમાં રહેનાર અંકુર અંબારામ ખાંડેકા (મારાજ)એ પેથા રબારી અને બેચર રબારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી અને તેનો મિત્ર ઇકબાલ  ગાડી નંબર જી.જે.-27-ડી.એમ.-4807 લઇને ગોપાલ ટી હાઉસ પાસે ચા પીવા ગયા હતા અને આ ગાડી પેથા રબારીની હોટેલ આગળ પાર્ક કરતાં તે મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી, જેમાં આરોપીએ ફરિયાદીને ધોકો માર્યો હતો અને બાદમાં આ બંનેને ત્યાં બેસાડી પોલીસને બોલાવાઇ હતી. પોલીસને આ હોટેલ પાસે માથાકૂટ થતી હોવાની વર્ધી મળતાં પોલીસ અહીં દોડી આવી હતી. અહીં પેથાભાઇ રબારીએ પોતાને છ શખ્સો મારવા આવ્યા હોવાનું કહ્યું હતું. જે પૈકી બે શખ્સોને પકડી રાખ્યાનું જણાવ્યું હતું. પોલીસે અંકુર ખાંડેકા તથા ઇકબાલ અલીમામદ મંસુરીના કબ્જાની કાર નંબર જી.જે.-27- ડી.એમ.- 4807ની તલાશી લેતાં તેમાંથી 7 કવાર્ટરિયા દારૂ તથા ત્રણ તલવાર અને બે છરી મળી આવી હતી. આ બંને વિરુદ્ધ હેડ કોન્સ્ટેબલ સેંધાજી પરમારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

© 2023 Saurashtra Trust