વરસામેડી-મોડવદર વચ્ચે ગાડીમાંથી રૂા. 8.68 લાખનો શરાબ હસ્તગત

ગાંધીધામ, તા. 8 : અંજાર તાલુકાના વરસામેડીથી મોડવદર જતાં માર્ગ ઉપર એક ગાડીમાંથી પોલીસે રૂા. 8,68,500નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો, પરંતુ વાહનચાલક આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો. અંજારની સ્થાનિક પોલીસ ગત મોડી રાત્રે વરસામેડી ફાટક બાજુ પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન શાંતિધામ વરસામેડીથી બોલેરો ગાડીમાં દારૂ ભરીને એક શખ્સ મોડવદર બાજુ જતો હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. જેના પગલે પોલીસની ટીમ વરસામેડીથી મોડવદર બાજુ જતાં માર્ગે જઇ ત્યાં વોચ ગોઠવી હતી. થોડીવાર બાદ આ બાતમીવાળી બોલેરો ગાડી નંબર જી.જે. 35-ટી-1134વાળી આવતા પોલીસે તેને દૂરથી ટોર્ચ વડે ઊભા રખાવવાની કોશિશ કરી હતી. પરંતુ આ શખ્સે દૂરથી પોલીસનું વાહન જોઇ જતાં તેણે પોતાનું વાહન વળાંક પર જ ઊભું રાખી પોતે બાવળોની ઝાડીઓમાં ઘૂસી ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો, પરંતુ તે હાથમાં આવ્યો ન હતો. આ વાહનના ઠાઠાની તલાશી લેવાતાં તેમાંથી અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. આ બોલેરોમાંથી મેકડોવેલ્સ નંબર-1ની 750 એમ.એલ.ની 972, રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી 750 મી.લી.ની 96 તથા બેલેન્ટાઇન્સ વ્હીસ્કીની 750 એમ.એલ.ની 72 એમ કુલ 1140 બોટલ કિંમત રૂા. 8,68,500નો શરાબનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો. આ વાહન કોનું છે ? દારૂ કોણ ભરી લાવ્યું હતું. તેણે કયાંથી દારૂ ભર્યો હતો અને કયાં પહોંચાડવાનો હતો. મગાવનાર કોણ છે તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. આજે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં છે, તેવામાં દારૂનો મોટો જથ્થો ઝડપાતા આ કોઇ રાજકીય પક્ષે મગાવ્યો હશે કે કેમ તેવા પ્રશ્નો પણ બહાર આવ્યા હતા.

© 2023 Saurashtra Trust