ભુજ શહેરનો ઝોક ફરી ભાજપ તરફી રહ્યો

ભુજ, તા. 8 : આજે જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભુજ શહેરના મતદારોએ ભાજપના વિકાસથી પ્રેરાઈ ફરી કમળ પર પસંદગી ઉતારી કેશુભાઈ પટેલના વિજયમાં સહભાગી બન્યા હતા અને હરીફ ઉમેદવાર સામે 28443 મતોની લીડ મેળવી હતી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, ભુજમાં વધુ મત મેળવનારમાં પ્રથમ કેશુભાઈ જ્યારે બીજા નંબરે  એઆઈએમઆઈએમના સકિલ સમા જ્યારે ત્રીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર અરજણ ભૂડિયા રહ્યા હતા. ભુજના 11 વોર્ડના વિસ્તારોને સમાવતા સાતમાં રાઉન્ડથી શરૂ થયેલી મત ગણતરીમાં જ ભાજપને 3298 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ અને એઆઈએમઆઈએમના ઉમેદવારને તેનાથી અડધા મતો મળ્યા હતા. જો કે, આઠમા રાઉન્ડમાં ભાજપના ઉમેદવારને 2973ની સામે એઆઈએમઆઈએમના ઉમેદવારને 3471 મતો મળ્યા હતા. નવમા રાઉન્ડમાં ભાજપ અને એઆઈએમઆઈએમને સરખા મતો એટલે કે, 3200 મત મળ્યા હતા. દશમાં રાઉન્ડમાં પણ એઆઈએમઆઈએમના ઉમેદવારે ભાજપ-કોંગ્રેસને પાછળ મૂકી દઈ 3751 મત મેળવ્યા હતા. જ્યારે 11મા રાઉન્ડથી ફરી ભાજપના ઉમેદવારે હરણફાળ ભળી હતી અને 5923 મતો મેળવ્યા હતા. આ સિલસિલો આગળ ધપતો ગયો અને 12મા રાઉન્ડમાં 6382, 13મા રાઉન્ડમાં 7405 તથા 14મા રાઉન્ડમાં 5606 મત સાથે હરીફો પર હાવી થઈ ગયા હતા. વોર્ડ મુજબ વાત કરીએ તો કોંગ્રેસના ગઢ લેખાતા પ્રથમ, બીજા અને ત્રીજા વોર્ડમાંથી એઆઈએમઆઈએમના ઉમેદવારને વધુ મત મળ્યા હતા. જ્યારે ચારથી 11માં વોર્ડના મતદારો ભાજપ તરફે મતદાન કર્યું હતું. કેશુભાઈને ભુજ શહેરમાં સૌથી વધુ મત આઠમાં વોર્ડમાં 6816 જ્યારે સૌથી ઓછા મત પ્રથમ વોર્ડમાં 1556 મળ્યા હતા. ભાજપની જંગી લીડમાં સહભાગી થવા બદલ ભુજવાસીઓનો સુધરાઈ પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, ઉ.પ્ર. રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસે આભાર માની વધુ ને વધુ વિકાસ કામો કરવાની નેમ વ્યકત કરી હતી.

© 2023 Saurashtra Trust