રાપર શહેરનો ઝોક પંજા તરફી રહ્યો : 4 હજારની લીડ આપી

રાપર, તા. 8 : આજે જાહેર થયેલા ચૂંટણીના પરિણામમાં ધારણા મુજબ રાપર શહરેનો ઝોક પંજા તરફી જ રહ્યો હતો. તો બીજી તરફ ભાજપની છેલ્લા રાઉન્ડમાં મળેલી જીત પાછળ મળેલા લઘુમતી સમુદાયના મત મહત્ત્વનું પરિબળ છે. રાપર શહેરની પેટીઓ ખૂલતાની સાથે જ 10 રાઉન્ડ સુધી મેળવેલી લીડ રાપરની પેટીઓ ખૂલતાની સાથે જ કપાવાની શરૂઆત થઈ હતી. રાપરના 20 બૂથમાંથી ભાજપને 4000 મતનું નુકશાન થયું હતું. અગાઉના પરિણામ ઉપર નજર કરીએ તો રાપરમાં ભાજપને નુકશાની જ થઈ છે. વર્ષ 2012માં પૂર્વ ધારાસભ્ય વાઘજીભાઈ પટેલને શહરેમાંથી લીડ મળી હતી, પરંતુ એ પહેલાં અને ત્યાર બાદ કોઈ દિવસ ભાજપને શહેરમાંથી લીડ મળી નથી. વર્ષ 2007માં વીરેન્દ્રસિંહ જાડેજાની 5000 મતે હાર થઈ ત્યારે ભચાઉ તાલુકાએ નુકશાન આપ્યું હતું, તો રાપર તાલુકાએ લીડ આપી હતી, પરંતુ આ વખતે ખડીર અને ભચાઉ તાલુકાના ગામડા, પ્રાથળ બેટે લીડ આપી તો તાલુકાના ગામડાઓએ નુકશાન કર્યું, પરંતુ માણાબા તાલુકા પંચાયત હસ્તકના ગામડાઓમાં લધુમતી સમાજના 50 ટકા મત ભાજપને મળતાં માણાબાની છેલ્લી પેટીમાં 500 મતની લીડ મળી અને ભાજપે કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લીધી હતી.

© 2023 Saurashtra Trust