ગાંધીધામ-આદિપુર-ભચાઉ ભાજપની પડખે

ગાંધીધામ, તા. 8 : અહીંની વિધાનસભા બેઠક ઉપર ગાંધીધામ, આદિપુર, ભચાઉના મત મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. ભાજપના ઉમેદવાર માલતીબેનને અહીંથી વધુ મત મળ્યા હતા. આજે સવારે શરૂ થયેલી મત ગણતરીમાં સાડા આઠ રાઉન્ડ સુધીમાં ભચાઉ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની પેટીઓ ખૂલી હતી. સાડા આઠ રાઉન્ડથી આદિપુર ગાંધીધામની પેટીઓ ખૂલી હતી, જેમાં પહેલા ચાર મશીનમાં ભરતભાઇ સોલંકી પાછળ રહ્યા હતા અને બાકીના ચારમાં આગળ વધી ગયા હતા. તે પછીની ગણતરીમાં આદિપુરના મધ્યમવર્ગીય વિસ્તારોમાં ભરતભાઇ ડબલ ડિજિટમાં આવી ગયા હતા. જ્યારે માલતીબેનને ત્રણ ડિજિટમાં મત મળ્યા હતા. ફરી પાછા માલતીબેન થોડાક પાછળ રહ્યા હતા. ગાંધીધામના મધ્યમવર્ગીય ભારત નગર જેવા વિસ્તાર આવતા બંને આગળ, પાછળ થતાં રહ્યાં હતાં. આવા વિસ્તારોમાં બંને વચ્ચે રસાકસી થતી આવતી હતી. જ્યારે ગાંધીધામની મુખ્ય બજાર, 400 ક્વાર્ટર જેવા વિસ્તારોના મશીન ખૂલતાં તેમાં માલતીબેન આગળ વધી ગયા હતા. 20 રાઉન્ડ સુધી આદિપુર, ગાંધીધામના ઇવીએમ ખૂલતાં તેમાં માલતીબેનનો ઘોડો આગળ દોડી ગયો હતો. કંડલાના તમામ બૂથ ઉપર ભરતભાઇ આગળ રહ્યાં હતાં તેમજ કિડાણામાં પણ તેમને લીડ મળી હતી, જ્યારે શિણાય, અંતરજાળ, ગળપાદરમાં માલતીબેને બાજી મારી લીધી હતી. ભચાઉ શહેરના પ્રથમ બે મશીનમાં માલતીબેન આગળ તો પછીના ચારમાં ભરતભાઇ આગળ રહ્યા હતા.  બાદમાં ભાજપના ઉમેદવાર આગળ વધતા ગયા હતા તેમજ ભચાઉના અમુક ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઇ સોલંકીને સિંગલ ડિજિટમાં મત મળ્યા હતા તો સામા પક્ષે માલતીબેન મહેશ્વરીને ત્રણ ડિજિટમાં લોકોએ મત આપ્યા હતા. આમ 22 રાઉન્ડના અંતે માલતીબેન મહેશ્વરી વિજેતા જાહેર થયા હતા.

© 2023 Saurashtra Trust