કચ્છમાં ભાજપની આંધી; છએ છ બેઠક પર સપાટો

કચ્છમાં ભાજપની આંધી; છએ છ બેઠક પર સપાટો
ભુજ, તા. 8 : અંજાર ખાતેની ચૂંટણીસભામાં છએ છ બેઠક પર કમળ ખીલવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી હાકલ માથે ચડાવતાં કચ્છે વિધાનસભાની તમામ બેઠક પર ભાજપના ઉમેદવારોને વિજયી બનાવીને ઈતિહાસ રચ્યો છે. રસાકસીપૂર્ણ મનાતી આ ચૂંટણીમાં રાપર અને અબડાસાને બાદ કરતાં મતદારોએ ભાજપની તરફેણમાં એકતરફી ઝોક બતાવ્યો છે. આજે સવારથી ઈજનેરી કોલેજમાં મતગણતરી શરૂ થઈ હતી અને ગુજરાતની સાથે કચ્છમાં પણ કેસરિયો રંગ છવાતો હોવાના અણસાર મળતાં જ ભાજપના કાર્યકર્તાઓ ખુશખુશાલ બની ગયા હતા. ભાજપે રાપરની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લઈને વિરોધપક્ષને મરણતોલ ફટકો માર્યે છે. એક નંબરની બેઠક અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાએ વિજયની હેટ્રિક કરીને પોતાનો જ વિક્રમ તોડયો છે. તેમણે કોંગ્રેસના પ્રતિસ્પર્ધી જત મામદ જુંગને રસાકસી બાદ 9431 મતથી શિકસ્ત આપી હતી. રાપરનો પ્રતિષ્ઠાભર્યો જંગ ટી-ટ્વેન્ટી જેવો દિલધડક બની રહ્યો હતો. શરૂઆતથી તીવ્ર રસાકસી અને ઉતાર-ચડાવના અંતે ભાજપના વીરેન્દ્રસિંહ જાડેજાએ 577 મતની પાતળી સરસાઈથી કોંગ્રેસના ભચુભાઈ આરેઠિયાને હરાવીને વિધાનસભામાં બીજી વખત પ્રવેશ કર્યો છે. કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત કરવા સાથે તેમણે અગાઉ 2007માં રાપરમાં કોંગ્રેસના બાબુભાઈ મેઘજી સામે મળેલી હારની કડવી યાદો ઈતિહાસમાં ધરબી નાખી છે. જિલ્લામથક ભુજની બેઠક પર કેશુભાઈ પટેલે નજીકના હરીફ કોંગ્રેસના અરજણભાઈ ભુડિયા પર 59,814 મતના જંગી તફાવતથી વિજય મેળવ્યો છે. કેશુભાઈએ કચ્છના વિધાનસભા ચૂંટણી ઈતિહાસમાં સૌથી મોટી જીતનો વિક્રમ રચ્યો છે. અહીં એ નોંધનીય છે કે 2020ની અબડાસાની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ 36,778 મતથી મેળવેલી જીત સરસાઈનો વિક્રમ હતો. 90 હજારથી વધુ મુસ્લિમ મતદાર ધરાવતા ભુજમાં એઆઈએમઆઈએમના ઉમેદવાર શકીલ સમાએ (31,295 મત) પ્રભાવશાળી દેખાવ કરીને કોંગ્રેસની મતબેન્કમાં મોટું ગાબડું પાડયું હતું. મુંદરા વિસ્તાર સમાવતી માંડવી વિધાનસભા બેઠક પર ભાજપના અનિરુદ્ધભાઈ દવેએ નિકટતમ પ્રતિસ્પર્ધી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા પર 48,297 મતની વિશાળ લીડ સાથે સશક્ત વિજય નોંધાવ્યો છે. અહીં `આપ'ના કૈલાસદાન ગઢવીએ 22,791 મત સાથે સારો દેખાવ કર્યો છે. અંજાર અને ગાંધીધામ બેઠક પર અપેક્ષા મુજબ ભાજપની સરળ જીત થઈ છે. ભાજપનાં મોટાં માથાં - પૂર્વમંત્રી વાસણભાઈ આહીરની પરંપરાગત બેઠક અંજાર પર પહેલીવાર ચૂંટણી લડતા ત્રિકમભાઈ છાંગાએ કોંગ્રેસના રમેશભાઈ ડાંગરને 37,709 મતનાં અંતરથી પરાજયનો સ્વાદ ચખાડયો છે. ગાંધીધામમાં ભાજપનાં માલતીબેન મહેશ્વરીએ પણ 37,831 મતની સરસાઈ સાથે કોંગ્રેસના ભરતભાઈ સોલંકીને હરાવીને બીજી વાર વિધાનસભામાં પ્રવેશ કર્યો છે. આ ચૂંટણીમાં તેઓ કચ્છનાં એકમાત્ર મહિલા ધારાસભ્ય બન્યાં છે. કચ્છની આ ચૂંટણીમાં મતદારોએ ભુજ, અંજાર અને માંડવીએ નવા ચહેરાને ચૂંટી મોકલ્યા છે. પ્રદ્યુમનસિંહ ત્રીજીવાર, જ્યારે વીરેન્દ્રસિંહ, માલતીબેન બીજીવાર વિધાયક બન્યા છે. પ્રથમ તબક્કા સાથે 1લી ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં કચ્છના 16,35,879 મતદાર પૈકી 9,76,108 મતદારએ (59.80 ટકા) મતદાન કર્યું હતું. અગાઉની 2017ની ચૂંટણીની તુલનાએ 4.4 ટકા ઓછું મતદાન થવા છતાં ભાજપનું મોજું ફરી વળ્યું છે. કચ્છની છ બેઠક પર 55 ઉમેદવાર મેદાનમાં હતાં, એ પૈકી 41 ઉમેદવારએ ડિપોઝિટ ગુમાવી છે. શાસનવિરોધી પરિબળ અને `આપ'ના ત્રીજા કોણ જેવાં પરિમાણ છતાં ભાજપના શાનદાર દેખાવે આ ચૂંટણીને તવારીખી બનાવી છે. આજે સવારે 8 વાગ્યાથી ભુજની ઇજનેરી કોલેજમાં શરૂ થયેલી છ વિધાનસભાની મતગણતરીમાં 1 નંબરની અબડાસા બેઠકમાં શરૂઆતનો ઝોક કોંગ્રેસ તરફી રહ્યો હતો અને લખપત અને અબડાસા તાલુકાના 15 રાઉન્ડ સુધી કોંગ્રેસની 9 હજારની લીડ રહી હતી. 16મો રાઉન્ડ અબડાસાના ગામોનો અને17મો રાઉન્ડ નખત્રાણાનો શરૂ થતાં કોંગ્રેસની લીડ ઘટી ગઇ હતી જે સતત 28મા અંતિમ રાઉન્ડ સુધી ઘટતી રહી હતી. આખરે પ્રદ્યુમનસિંહે 9 હજારની સરસાઇ કાપીને 9431 વોટથી વિજય હાંસલ કર્યો હતો. તો રાપરમાં ખડીરના મશીન ખૂલ્યા હતાં જેમાં સરસાઇ 10 હજાર મત સુધી થઇ ગઇ હતી પરંતુ 12મા રાઉન્ડ પછી રાપરના ગામડાં ખૂલતાં કોંગ્રેસના મત વધવા છતાં છેલ્લી ઘડીએ ભારે રસાકસીના અંતે વીરેન્દ્રસિંહ 577 મતે જીત્યા હતા. બાકી ભુજમાં તો શરૂઆતના રાઉન્ડમાં જાણે ભાજપના કેશુભાઇ અને એઆઇએમઆઇએમના શકીલ સમા સાથે સ્પર્ધા હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. 10 રાઉન્ડ સુધી ટક્કર જામી હતી. 11મા રાઉન્ડ પછી ભાજપનો ઘોડો દોડયો જે 21મા અંતિમ રાઉન્ડ સુધી અવિરત રહ્યો હતો. ભાજપની સરસાઇ વધીને 59814 પર વિક્રમી થઇ ગઇ હતી. ગાંધીધામમાં પહેલા રાઉન્ડમાં માલતીબેન આગળ રહ્યા હતા જે સતત 23 રાઉન્ડ સુધી વિજયનો સિલસિલો જારી રહ્યો હતો. એવી રીતે અંજારમાં ત્રિકમ છાંગા, તો માંડવીમાં અનિરુદ્ધ દવેએ ક્યાંય કોંગ્રેસને આગળ આવવા દીધા ન હતા.

© 2023 Saurashtra Trust