હિમાચલે ભાજપના રંગમાં ભંગ પાડયો

આનંદ વ્યાસ દ્વારા નવી દિલ્હી, તા. 8 : ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાદુને પગલે ભાજપે 198પમાં માધવસિંહ સોલંકીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે જીતેલી 149 બેઠકોના વિક્રમને પણ તોડીને નવો ઈતિહાસ રચ્યો છે, પણ હિમાચલપ્રદેશમાં કોંગ્રેસના હાથે મળેલી પછડાટે કેસરિયા પક્ષના રંગમાં ક્યાંક ભંગ પણ પાડયો છે. ગુજરાત જેવા મહત્ત્વના રાજ્યમાં કારમી હાર બાદ હિમાચલ જેવા નાના રાજ્યમાં વિજય કોંગ્રેસ માટે લાજ બચાવવા સમાન રહ્યો, પણ હકીકતમાં હિમાચલમાં ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા અને પ્રેમકુમાર ધુમલના જૂથ વચ્ચેના આંતરિક વિખવાદ અને તેને પગલે ભાજપના ગઢ સમાન વિસ્તારોમાં 21 બંડખોરોના ચૂંટણી મેદાનમાં ઉતરવા જેવા પરિબળોએ પરિણામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભાજપના પ્રમુખપદે નિયુક્તિ લંબાવાય તેવી અપેક્ષા સેવી રહેલા નડ્ડા માટે તેમના જ ગૃહરાજ્યમાં પરાજય મોટા ફટકા સમાન છે અને હિમાચલમાં આજના પરિણામોએ તેમના ભાજપ અધ્યક્ષપદે એક્સટેન્શન પર સવાલ સર્જી દીધા છે અને જ્યારે નડ્ડાને પોતાના રાજ્યમાં પણ હાર મળતી હોય ત્યારે તેમને રાષ્ટ્રીય ચૂંટણીમાં પક્ષની બાગડોર આપવાનું જોખમ કરવું કે કેમ એ મુદ્દે કેસરિયા પક્ષની નેતાગીરીએ વિચાર કરવો પડશે. આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી ચૂંટણી પૂર્વે ગુજરાતમાં મળેલો તવારીખી વિજય ભાજપ માટે મનોબળ મજબૂત બનાવનારો છે. ગુજરાતમાં કોંગ્રેસ માત્ર 16 બેઠક સુધી સીમિત રહી અને 2019ની લોકસભા ચૂંટણીમાં થયું તેમ અહીં પણ તે વિરોધપક્ષના નેતાનું પદ મેળવવાને લાયક પણ રહી નથી. ઉપરાંત ગુજરાતમાં આટલી ઓછી બેઠકો મળતાં હવે તે રાજ્યસભાની એક પણ બેઠક જીતી શકશે નહીં. 182 બેઠકની વિધાનસભામાં કોંગ્રેસે કમ સે કમ 38 બેઠક જીતી હોત તો તે રાજ્યસભાની બેઠક સુનિશ્ચિત કરી શકત પણ એવું બન્યું નથી. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આપે લગભગ 13 ટકા મત હાંસિલ કરીને કોંગ્રેસને ઓર કમજોર બનાવી દીધી. આપે ગુજરાતમાં પાંચ બેઠક મેળવી છે, ત્યારે કેજરીવાલે આપને રાષ્ટ્રીય પક્ષ બનાવવા માટે ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવી શકે તેવા પક્ષો બહુ ઓછા છે અને હવે એ કેટેગરીમાં આપ પણ આવી ગયો છે. હું ગુજરાતના લોકોના પ્રેમ બદલ આભારી છું અને ચૂંટણી પ્રચાર દરમ્યાન મારા પ્રત્યે જે લાગણી બતાવી તેનું સન્માન કરું છું. કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપનો ગઢ મનાય છે અને અમે તે ગઢમાં ગાબડું પાડીને 13 ટકા મત મેળવવામાં સફળ રહ્યા.

© 2023 Saurashtra Trust