ભુજ બેઠક પર કેશુભાઈની ઐતિહાસિક લીડ સાથે જીત

ભુજ, તા. 8 : ભાજપને આ વખતે મુશ્કેલી પડશે, કેશુભાઈ પાંચ હજાર મતે ખાટશે, ના ભાઈ આ વખતે તો અરજણ ભૂડિયા આવી જાશે. આપ અને એઆઈએમઆઈએમ ભાજપ-કોંગ્રેસના મતો તોડશે સહિતની ચર્ચાઓનો આજે અંત આવ્યો હોય તેમ સમગ્ર ભુજ તાલુકાના મતદારોએ વિજયરૂપી કમળની માળા ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલના ગળામાં પહેરાવી દીધી હતી. આજે જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભુજ બેઠક પર શ્રી પટેલે 96582 મત મેળવી અત્યાર સુધીની ચૂંટણીઓમાં સૌથી વધુ 59814 મતની લીડ સાથે ઈતિહાસ રચી દેતાં વિરોધીઓ મોઢામાં આંગળા નાખી ગયા હતા. તો, મુખ્ય વિરોધ પક્ષ એવા કોંગ્રેસના અરજણ ભુડિયાને 36768, એઆઈએમઆઈએમના સકિલ સમાને 31295, જ્યારે આપના ઉમેદવાર રાજેશ પિંડોરીયાને 8060 મત મળ્યા હતા. જ્યારે 3462 લોકોએ નોટા પર પસંદગી ઉતારી હતી. ત્રીજા પક્ષ તરીકે ઊભરી આવેલા આપે નોંધપાત્ર દેખાવ ન કરતાં મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ કાયમ રહ્યો હતો. જો કે, નવા પક્ષ એઆઈએમઆઈએમના ઉમેદવારે પણ 31 હજાર ઉપર મત મેળવી સારો દેખાવ કર્યો હતો. ભુજની ઈન્જિનીયરીંગ કોલેજ ખાતે આજે સવારે હાથ ધરાયેલી મત ગણતરી દરમ્યાન 22માંથી 10 રાઉન્ડ સુધી એઆઈએમઆઈએમના ઉમેદવાર સકિલ સમાએ ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારને ભારે ટકકર આપી હતી. પણ, 11મા રાઉન્ડથી ભાજપનો ઘોડો આગળ દોડયો હતો અને જોત જોતામાં વાયુગતિ પકડી 22 રાઉન્ડના અંતે કેશુભાઈને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. વિધાનસભા જંગમાં ભુજ બેઠક પર 10 ઉમેદવારએ ઝંપલાવ્યું હતું. જેમાંથી સાતે ડિપોઝિટ ગૂમાવી હતી. તો, પોસ્ટલ મત ભાજપને 836, કોંગ્રેસને 273, આપને 220 તથા એઆઈએમઆઈએમને 46 મળ્યા હતા. બન્ની-પચ્છમના મતો ભાજપ માટે બોનસરૂપ બન્ની-પચ્છમ પર કોંગ્રેસની મીટ મંડાયેલી હતી પણ આ વખતે એઆઈએમઆઈએમના ઉમેદવારે સારા મતો મેળવી લેતાં પ્રથમ દશ રાઉન્ડમાં જ ભાજપ માટે જીત નક્કી થઈ ગઈ હતી. બન્ની-પચ્છમના મતો તો ભાજપના ઉમેદવાર માટે બોનસ જ હતા અને ભુજ શહેર તેમજ પટેલ પટ્ટી તથા આહીર પટ્ટીના મતોએ વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બન્ની-પચ્છમના અમુક વિસ્તારોને બાદ કરતાં મતદારોનો ઝેક પણ ભાજપ તરફી રહ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં સમાવિષ્ટ ગામો લૂણા, હાજીપીર, ધોરડો, ગોરેવાલી, કુરન સહિતના 14 ગામએ ભાજપના ઉમેદવારને 2698 મત આપ્યા હતા. જ્યારે બીજા રાઉન્ડમાં આવતા કોટડા, સૂમરાપોર, નાના દિનારા, ખાવડા સહિતના 14 ગામમાંથી ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવાર કરતાં વધારે એઆઈએમઆઈએમના ઉમેદવારને 2433 મત આપ્યા હતા. ત્રીજા રાઉન્ડની પણ એ જ પરિસ્થિતિ રહી અને લુડિયા, હોડકો, ધોરાવર, ભીરંડિયારા સહિતના 13 ગામએ એઆઈએમઆઈએમના ઉમેદવારને વધુ મત આપ્યા હતા. ચોથા રાઉન્ડમાં પણ સરાડા, અંધૌ, મતદારોનો ઝોક એઆઈએમઆઈએમ તરફ રહ્યો અને તેના ઉમેદવારને 2284 મત મળ્યા હતા. પાંચમાં રાઉન્ડમાં સમાવિષ્ટ ગામોએ ભાજપના ઉમેદવારને સારી એવી સરસાઈ અપાવી અને જૂરા કેમ્પ, લોરિયા, સૂમરાસર શેખ સહિતના 14 ગામના મતદારોએ 3487 મત આપ્યા હતા. રાઉન્ડ છની પણ એ જ પરિસ્થિતિ રહી અને ઢોરી, કુનરિયા, નોખાણીયા, સૂમરાસર જત સહિતના 14 ગામએ ભાજપના ઉમેદવાર પર પસંદગી ઉતારી 2794 મત આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બન્ની પચ્છમમાં મતો મેળવવાની કવાયતમાં હઠુભા જાડેજાએ ખાસ્સી એવી મહેનત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પટેલપટ્ટીનો ઝોક ભાજપ તરફ ભુજ બેઠકના ચૂંટણી જંગમાં ત્રણ ઉમેદવાર પટેલ હોવાથી પટેલ પટ્ટી પર સારો એવો મદાર રહ્યો હતો અને જીતમાં મહત્ત્વની ભૂમિકા ચર્ચાતી હતી. આજે જાહેર થયેલા પરિણામોમાં 18થી 22 રાઉન્ડમાં સમાયેલા સુખપર, ભારાસર, માધાપર, નારાણપર, મેઘપર, દહિંસરા સહિતે ભાજપના ઉમેદવારને ભારે મતોની લીડ અપાવી હતી. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર માધાપરના સ્થાનિક હોવા છતાં મતદારોએ ભાજપના ઉમેદવાર તરફી મતદાન કર્યું હતું. જો કે, અબડાસા મત વિસ્તારમાં આવતું પાલનપુર (વાડી) ભાજપના કેશુભાઈનું ગામ હોવા છતાં ત્યાં કોંગ્રેસને વધુ મત મળ્યા હતા. સવારે પ્રથમ રાઉન્ડમાં જ એક ઈવીએમ ક્ષતિગ્રસ્ત નીકળ્યું હતું. જેની ગણતરી પાછળથી હાથ ધરાઈ હતી એ સિવાય શાંતિપૂર્વક મતગણતરી પૂર્ણ થઈ હતી.

© 2023 Saurashtra Trust