સત્તાને સેવાનું સાધન બનાવવાનો કોલ

ભુજ, તા. 8 : કચ્છમાં 60 હજાર મતથી વિજય મેળવીને નવો ઇતિહાસ સર્જી ચૂકેલા ભુજ બેઠકના ભાજપના ઉમેદવાર અને સંગઠનના મુખિયા કેશુભાઇ પટેલે વિજય મેળવ્યા બાદ પોતાના ઠરેલા સ્વભાવ પ્રમાણે ઠાવકાઇથી જવાબ આપતાં જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તાર અને લોકો સુધી નરેન્દ્રભાઇએ પહોંચાડેલી યોજનાનું આ ફળ છે. ભાજપ એક વિશ્વાસ અને બહોળા સમુદાયના વિચારોને વરેલો પક્ષ છે. કોઇપણ સમય હોય હંમેશા નાગરિકોના હિત જોવામાં આવે છે. દેશમાં કોરોનાની મહામારી આવી તો પણ પાર્ટીએ જે વ્યવસ્થા ગોઠવી, અત્યાર સુધીની માળખાંકીય સુવિધાઓ લોકોના હૃદયમાં સ્થાન પામી છે એમ તેમણે જણાવ્યું હતું. કચ્છની છ બેઠક પર મતદારોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે અને અમને કામ કરવાની તક આપી છે. આ ભરોસો ક્યારેય નહીં તૂટે તેની ખાતરી આપી સત્તાને સેવાનું સાધન બનાવવાનો કોલ આપ્યા હેહતો. ભુજના પડતર પ્રશ્નો શું છે એ સવાલ સામે શ્રી પટેલે જણાવ્યું હતું કે, સૌથી મોટો ટ્રાફિકનો પ્રશ્ન છે, પાર્કિંગ પ્લોટ અમલમાં લાવી ડી.પી., ટી.પી. પ્લાન અટકેલા છે તે સમજદારીપૂર્વક પૂર્ણ કરવામાં આવશે. ભુજને મહાનગરપાલિકા બનાવશો તો તેમણે કહ્યું કે, તમામ પાસા ચકાસવામાં આવશે અને ક્ષેત્રફળ?વધારવાની જરૂર પડશે તો વધારવામાં આવશે. શહેરના પ્રશ્નો સામે આવ્યા ? તો કહ્યું કે, ગટર-પાણીના કે સફાઇના મૂળભૂત પ્રશ્નો ઉકેલાઇ ગયા છે. કોઇ ફરિયાદો પણ આવી નથી. હવે સંગઠનની જવાબદારી સંભાળશો તો સહજતાથી હસીને જવાબ આપ્યો કે એ પક્ષ નક્કી કરશે.