ગાંધીધામમાં ભાજપની હેટ્રિક : માલતીબેન બીજીવાર જીત્યાં

ગાંધીધામ, તા. 8 : અનુસૂચિત જાતિ માટે અનામત એવી ગાંધીધામ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ ગત ટર્મના વિજેતા માલતીબેન મહેશ્વરી ઉપર પુન: વિશ્વાસ મૂકી રિપીટ કરવાનો દાવ ખેલ્યો હતો તે ફળીભૂત થયો છે અને માલતીબેન 37831 મતની લીડથી વિજેતા જાહેર થયા છે જો કે, મત ગણતરી દરમ્યાન સીલ તેમજ વહિવટી ક્ષતિને લઇને કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઇ સોલંકીએ વાંધા લીધા હતા અને અસંતોષના પગલે ત્યાંજ ધરણા પર બેસીને મતગણતરી કેન્દ્રમાં જ પોતાને ગળેટુંપો લેવાનો પ્રયાસ કરતાં દોડધામ મચી હતી અને અડધી મતગણતરી વચ્ચે જ તેમણે તથા કોંગ્રેસના એજન્ટો તેમજ અન્ય ઉમેદવારોએ મત ગણતરીનો બહિષ્કાર કરી કેન્દ્રથી બહાર ચાલી ગયા હતા. ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારની મતગણતરી ભુજની ઇજનેરી કોલેજના વિશાળ ખંડમાં યોજાઇ હતી. 23 રાઉન્ડની યોજાયેલી આ મત ગણતરીમાં માત્ર પ્રથમ રાઉન્ડ તેમજ વચ્ચે એકાદ-બે વખત જ કોંગ્રેસનો હાથ ભાજપ કરતા ઉપર હતો. પ્રથમ રાઉન્ડના કુલ્લ 5086 મતમાં 24પર કોંગ્રેસના ભરતભાઇને જ્યારે ભાજપના માલતીબેન 2097 મત મળતા ભરતભાઇએ 355 મતની સરસાઇ મેળવી હતી પરંતુ બીજા જ રાઉન્ડમાં માલતીબેનને 2602 અને ભરતભાઇને 1785 મત મળતા માલતીબેને પ્રથમ રાઉન્ડની લીડ તોડીને ભરતભાઇ ઉપર 462 મતની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ ભાજપે કોંગ્રેસને જરાય મચક આપી ન હતી અને લીડમાં સતત વધારો  થતો જતો હતો. નવા સીમાંકનને લઈને અસ્તિત્વમાં આવેલી આ બેઠકની ત્રીજી વિધાનસભા ચૂંટણીમાં હેટ્રિક કરનાર ભાજપ અને નજીકનો હરીફ પક્ષ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી ઉપરાંત અન્ય પક્ષ તથા અપક્ષ એમ કુલ મળીને 10 ઉમેદવારોએ પોતાનું ભાવિ અજમાવ્યું હતું. મતગણતરીના અંતે કુલ 1,51,665 મતમાંથી ભાજપના વિજેતા માલતીબેને 83,760 મત મેળવ્યા હતા, જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ભરતભાઈ સોલંકીને 45,929 મત મળ્યા હતા. આમાં આપના ઉમેદવાર બુદ્ધાભાઈ થાવરભાઈ મહેશ્વરીને 14,827 મત મળતાં તેઓ ત્રીજા ક્રમે રહ્યા હતા, જ્યારે નોટા ઉપર 3105 લોકોએ પસંદગી ઉતારી હતી. હવે રાઉન્ડ પ્રમાણે જે રીતે આંકડા સામે આવતા હતા તેના ચડાવ-ઉતાર ઉપર નજર નાખીએ તો પ્રથમ રાઉન્ડ ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો ખુલ્યો હતો. જેમાં કોંગ્રેસનો હાથ ઉપર હતો, પરંતુ ગ્રામ્ય વિસ્તારનો બીજો રાઉન્ડ ખૂલતાં આ ચડેલી લીડ ઉતરી હતી અને 462 મતની લીડ ભાજપે કોંગ્રેસ પર મેળવી હતી. ત્યારબાદના બે રાઉન્ડમાં પણ ભાજપની લીડ વધી જ હતી. ભચાઉ શહેરની ગણતરી શરૂ થતાં તેમાં પણ ભાજપ તરફી જ ઝોંક સ્પષ્ટ થયો હતો. ચીરઈ, ખારી-મીઠી રોહર અને ગળપાદર વિસ્તારના મતોની ગણતરી થતાં કુલે આઠ રાઉન્ડ પૂરા થતાં કોંગ્રેસ ઉપર ભાજપે 5880 મતોની લીડ મેળવી લીધી હતી. આઠ રાઉન્ડ બાદ કંડલા અને ગાંધીધામના મતોની ગણતરી શરૂ થઈ હતી. જેમાં પ્રથમ એટલે કે નવમા રાઉન્ડમાં કોંગ્રેસે 2833 જ્યારે ભાજપના ફાળે 2347 મત આવ્યા હતા. ત્યારબાદના દશ અને અગિયારમા રાઉન્ડમાં ફરી ભાજપ તરફી ઝોંક સ્પષ્ટ થયો હતો, જ્યારે 11મા અને 12મા રાઉન્ડમાં આપના ઉમેદવાર બુદ્ધાભાઈને પણ ધ્યાન ખેંચે તેવા અનુક્રમે 1172 અને 1655 મત મળ્યા હતા. પછીના દરેક રાઉન્ડમાં ભાજપે રીતસરનો સપાટો જ બોલાવ્યો હતો અને અંતે 904 પોસ્ટલ મતમાં પણ કોંગ્રેસને 200 જ્યારે ભાજપને 378 અને આપને 172 મત મળ્યા હતા. કુલે 1,51,785 મત ગણતરીના અંતે 120 મત અમાન્ય રહ્યા હતા અને 1,51,665 માન્ય મતમાં કોંગ્રેસના ભરતભાઈ ઉપર 37,831 મતની સરસાઈ મેળવી ભાજપના માલતીબેનને વિજેતા જાહેર કરાયા હતા.

© 2023 Saurashtra Trust