ગાંધીધામ ક્ષેત્રને નંદનવન બનાવવા લોકોના અભિપ્રાયને ધ્યાને લેવાશે

ગાંધીધામ ક્ષેત્રને નંદનવન બનાવવા લોકોના અભિપ્રાયને ધ્યાને લેવાશે
ભુજ, તા. 8 : પહેલેથી જ ગાંધીધામની બેઠક આસાનીથી જાળવી રાખવાના આશાવાદી એવા માલતીબેન મહેશ્વરીએ વિજયનો શ્રેય મતદાઓને આપી તેમને જંગી બહુમતીથી વિજેતા બનાવા બદલ આભાર માન્યો હતો. ઉપરાંત પક્ષના અગ્રણીઓ અને નાનામાં નાના કાર્યકરની મહેનત રંગ લાવી હોવાનું હર્ષપૂર્વક જણાવી આગામી દિવસો ગાંધીધામ મત વિસ્તારના લોકોના અભિપ્રાય મેળવી આ ક્ષેત્રના વિકાસ માટેનો કોલ આપ્યો હતો. કચ્છમિત્ર સાથેની વાતચીતમાં વિજેતા માલતીબેને જણાવ્યું હતું કે દીનદયાળ પોર્ટ હસ્તકની જમીનો પૈકી બંદર વિકાસ અર્થેની જરૂરી જમીન પોતા પાસે રાખે અને બાકીની જમીન ફ્રી હોલ્ડ કરાવવા પર પ્રાથમિકતા આપીશ. આ ઉપરાંત ગાંધીધામ વિસ્તારની રામબાગ હોસ્પિટલને જિલ્લાસ્તરની હોસ્પિટલ બનાવવા તેમજ ગાંધીધામ સંકુલમાં મેડિકલ કોલેજ શરૂ કરાવવા પ્રયાસ કરીશ. બીજીતરફ શિણાય ડેમ સુધી નર્મદાની લાઈન પહોંચી ગઈ હોવાથી આ ડેમ નર્મદાના પાણી હિલોળા લે અને ત્યાં પ્રવાસન કેન્દ્ર વિકસાવવા માટે કાર્યવાહી કરીશ તેમજ મહાનગરપાલિકાના પ્રશ્નો અંગે પણ પૂરતા પ્રયાસ કરી ગાંધીધામ ક્ષેત્રની સુખાકારી અને વિકાસકીય કામ અંગે લોકો તરફથી મળતા અભિપ્રાયો પર પણ કામગીરી કરવાની માલતીબેને હર્ષ સાથે ખાતરી આપી હતી.

© 2023 Saurashtra Trust