રાપરના `વીર'' વીરેન્દ્રસિંહ; કોંગ્રેસ ધ્વસ્ત

રાપર, તા. 8 : કચ્છની 6 બેઠકમાં સૌથી હોટ ફેવરિટ બનેલી અને રાજ્યમાં કોંગ્રેસની 10 સુરક્ષિત બેઠકોમાં જેની ગણના થાય છે તે રાપર બેઠક ઉપર મતગણતરી દરમ્યાન છેલ્લે સુધી ભારે રસ્સાકસી બાદ ભાજપે જીત હાંસલ કરી હતી. શરૂઆતી રાઉન્ડમાં ભાજપ બાદ કોગ્રેસે લીડ કાપી હતી, પરંતુ છેલ્લે દડે ભાજપે જીત હાંસલ કરતાં રાપર બેઠક ઉપર વર્ષ 1967ના પરિણામનું પુનરાવર્તન થયું હતું. ભાજપ કોંગ્રેસના બે ઉમેદવાર સિવાય આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત 9 ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવી શકયા ન હતા. `આપ' અને અન્ય અપક્ષ પાટીદાર ઉમેદવારના કારણે કોંગ્રેસનો વિજય રથ રોકાયો હતો. એકાદ બે બનાવ સિવાય મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં વહીવટી તંત્રે રાહતનો દમ લીધો હતો. રાપર બેઠકના ચકરાવા દરમ્યાન કાંટાની ટક્કરનો અંદાજ અપાયો હતો. તે મુજબ છેલ્લે સુધી કોની જીત થશે તેનો અંદાજ લગાવી શકાયો ન હતો મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ 66,961 મત મેળવી કોંગ્રેસના હરીફ ઉમેદવાર ભચુભાઈ આરેઠિયાને પ77 મતની પાતળી સરસાઈથી પરાજિત કર્યા હતા. કોંગ્રેસના પરાજિત ઉમેદવારને 66384 મત મળ્યા હતા. સવારે 8 વાગ્યાના અરસામાં પોસ્ટલ બેલેટ સાથે પેટીઓ પણ ખોલવામાં આવી હતી. ધારણા મુજબ જ ખડીરની પેટીઓ ખૂલતાં ભાજપે 3879 મતની લીડ હાંસલ કરી હતી. પાંચ રાઉન્ડ સુધી ભચાઉ તાલુકાના ગામડાઓની પેટીઓ ખૂલતાં ભાજપની લીડ સતત વધીને 10 હજાર મતે પહોંચી હતી. ભચાઉ તાલુકા બાદ પ્રાંથળ બેટના ગામડાઓમાં ભાજપનો ઘોડો વીનમાં રહ્યો હતો અને રાપર બેઠકે 15000 મતે ભાજપની જીત થશે તેવો વિશ્વાસ અડગ રહ્યો હતો, પરંતુ રાપર તાલુકાના ગામડા અને શહરેની પેટી ખૂલતાની સાથે જ ધાર્યા પ્રમાણે કોંગ્રેસના ઉમેદવારે સતત ભાજપની લીડ કાપવાની શરૂઆત કરી હતી. જે 20મા રાઉન્ડ સુધી આ ટ્રેન્ડ બરકારાર રહ્યો હતો. 12મા રાઉન્ડથી કોંગ્રેસના મત વધવાનું શરૂ થયું હતું. જેના કારણે ભાજપના ટેકેદારોમાં જીતની બાજી સરકી તો નહીં જાયને તેવો ચિંતાનો માહોલ ખડો થયો હતો. જયારે શરૂઆતના 10 રાઉન્ડ સુધી હતાશ થઈ ગયેલા કોંગ્રેસના ઉમેદવારો લીડ વધતા ઉત્સાહમાં આવી ગયા હતા. જો કે, 21મા રાઉન્ડ સુધી વીરેન્દ્રસિંહ જાડેજા 20મા રાઉન્ડ સુધી પાછળ ન રહ્યા હતા. 20મા રાઉન્ડે 600થી વધુ મતની સરસાઈ જાળવી રાખ્યા બાદ કાંઠા ચોવીસીની પેટીઓ ખુલ્યા બાદ કોંગ્રેસને થોડા જ મત મળતા અંતે ભારે રસ્સાકસી બાદ ભાજપનો 577 મતે વિજય થયો હતો. મતગણતરી દરમ્યાન કોંગ્રેસ દ્વારા રિકાઉન્ટીંગની માગણી કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી દ્વારા તેમની માગણીનો સ્વીકાર કરાયો હતો 11.45 વાગ્યા બાદ 20 રાઉન્ડની ગણતરી પૂરી થયા બાદ કેન્દ્ર ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકીને છેલ્લો રાઉન્ડ પૂર્ણ કરાયો હતો. છેલ્લે વીરેન્દ્રસિંહ જાડેજાની જીત થતાં `ભારત માતા કી જય'નો નારો અને `ગાજરની પીપુડી ન વાગી'નો નારો ગુંજી ઊઠયો હતો. રાપર બેઠકમાં પાટીદાર અને ક્ષત્રિય આગેવાન વચ્ચેનો ચૂંટણી જંગ પ્રથમ દિવસથી હાઈવોલ્ટેજ રહ્યો હતો. બન્ને ઉમેદવાર વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપથી અતિસંવેદનશિલ બેઠક જાહેર કરાઈ હતી. વીરેન્દ્રસિંહ જાડેજાની આજે જીત થતા રાપર બેઠક ઉપર સાડાપાંચ દાયકા બાદ ઈતિહાસ રચાયો હતો. વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના ઉમેદવાર લાકડિયા ઠાકોર ભૂપેન્દ્રસિંહ જાડેજાએ 15060 મત મેળવી કોંગ્રેસના હરીફ ઉમેદવાર હરિલાલ નાનજી પટેલને બે હજાર મતે પરાજિત કર્યા હતા. ત્યારથી કરીને વર્ષ 2017 સુધી ભાજપ હોય કે કોંગ્રેસ એક પણ ક્ષત્રિય ઉમેદવાર જીત્યા નથી. 2017 સુધી મેરૂભા જાડેજા, નવલસિંહ જાડેજા અને વર્ષ 2007માં વીરેન્દ્રસિંહ જાડેજા પરાજિત થયા હતા. અત્યાર સુધી પાટીદાર અને જૈનોએ જ રાપર બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે, પરંતુ આ વખતે ભાજપના ક્ષત્રિય ઉમેદવાર જીતતા ઈતિહાસ રચાયો છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવાર ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવારને ચાર આંકડામાં અને અન્ય 8 અપક્ષ ઉમેદવારોને માત્ર ત્રણ આંકડામાં જ મત મળતા 9 ઉમેદવારો પોતાની ડિપોઝિટ પણ બચાવી શકયા ન હતા. આ વખતે નોટામાં 3942 મત પડયા હતા. વર્ષ 2017માં 4,614 મત નોટામાં પડયા હતા, તેની સરખામણીમાં આ વખતે 672 મત નોટામાં ઓછા પડયા હતા. મતદાન દરમ્યાન વીરેન્દ્રસિંહ જાડેજાના પુત્રો કુલદિપસિંહ જાડેજા અને હરદિપસિંહ જાડેજાએ મોરચો સંભાળ્યો હતે. તો કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠિયા ખુદ ટેબલે ટેબલે ફરીને મળેલા મતોની નોંધણી કરતા હતા. છેલ્લે વિજેતા વીરેન્દ્રસિંહ જાડેજાને જીતની શુભેચ્છા પાઠવી હતી.

© 2023 Saurashtra Trust