રાપર તાલુકાને વિકાસની ઊંચાઈએ લઈ જવાની નેમ

રાપર તાલુકાને વિકાસની ઊંચાઈએ લઈ જવાની નેમ
રાપર, તા. 8 : રાપર બેઠક ઉપર જીત મેળવ્યા બાદ મતગણતરી કેન્દ્ર ખાતે આવેલા ભાજપના વિજેતા ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાએ આગામી પાંચ વર્ષ દરમ્યાન રાપર તાલુકાને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવાની નેમ વ્યકત કરી હતી. તેમણે ચહેરા ઉપર હર્ષની લાગણી સાથે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ રાપર બેઠક ભાજપ પાસે ન હોવાથી તાલુકાનો વિકાસ અટકી ગયો હતો. રાપર વિધાનસભા મતવિસ્તારની પ્રજાએ વિશ્વાસ મૂકયો છે, ત્યારે તાલુકાનો નેત્રદીપક વિકાસ કરાશે તેવું કહ્યું હતું. તાલુકામાં કાયદો વ્યવસ્થાની કથડેલી પરિસ્થિતિને મજબૂત કરવાની બાબત ધારાસભ્ય તરીકે પ્રથમ પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે વધુ સુવિધાઓ વિકસાવવા તેમજ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપગ્રેડ કરવાની બાબતને પણ અગ્રતા આપવામાં આવશે. તાલુકાના વિકાસના પ્રચાર દરમ્યાન આપેલા વચન થકી જ આ જીત હાંસલ થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત વાગડમાં નર્મદા કેનાલ તો આવી પરંતુ રાપર તાલુકાના 40 ગામડાઓમાં કેનાલ હજુ સુધી નથી પહોંચી તે ગામડાઓમાં નર્મદાનાં નીર પહોંચાડવાની નેમ તેમણે વ્યકત કરી હતી.

© 2023 Saurashtra Trust