માંડવીમાં વિક્રમી સરસાઈ સાથે અનિરુદ્ધભાઈનો વિજયવાવટો

ભુજ, તા. 8 : માંડવી અને મુન્દ્રાને આવરી લેતી માંડવી વિધાનસભા બેઠક પર ભાજપે ઐતિહાસિક સરસાઈથી જીત મેળવી કેસરિયો ગઢ અકબંધ રાખ્યો છે. ભાજપના ઉઁમેદવાર અનિરુધ્ધ ભાઈલાલ દવેએ પહેલા રાઉન્ડથી જ હરીફ ઉમેદવાર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા પર સરસાઈ મેળવવવાનું શરૂ કર્યા બાદ છેલ્લા 21માં રાઉન્ડ સુધી આ સિલસિલો જાળવી રાખ્યો હતો. અનિરુધ્ધ દવેએ 48297ની વિક્રમી સરસાઈથી વિજય મેળવી માંડવી બેઠકના ઈતિહાસમાં કદી કોઈએ ઉમેદવારે ન મેળવી હોય તેટલી જંગી લીડ સાથે કેસરિયા બ્રીગેડનો વિજય વાવટો ફરકાવ્યો હતો. પહેલા રાઉન્ડથી જ સરસાઈ કચ્છમાં સાથી વધુ 6પ.19 ટકા મતદાન સાથે જિલ્લામાં મોખરે રહેલી રાજય વિધાનસભામાં બીજો નંબર ધરાવતી માંડવી બેઠકની મતગણતરીનો ધમધમાટ સરકારી ઈન્જીનીયરીંગ કોલેજમાં રિટર્નીંગ ઓફિસર ચેતન મિશનની ઉપસ્થિતીમાં આરંભાયો હતો. આરંભે પોસ્ટલ બેલેટના મતોની ગણતરી બાદ તબકકાવાર 14 ટેબલ ગોઠવી ઈવીએમના મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી. પહેલા રાઉન્ડથી ભાજપના ઉમેદવારે જારી રાખેલી વિજયકુચ 21માં રાઉન્ડ સુધી જારી રહી અને પોસ્ટલ બેલેટના મતોમાં પણ ભાજપે જ મેદાન મારી આ જંગી જીત હાંસિલ કરી હતી. ઈવીએમમાં પડેલા 1,68,271 અને પોસ્ટલ બેલેટના 11પપ મળી કુલ પડેલા 169426 મતમાંથી ભાજપના વિજયી ઉમેદવાર અનિરુધ્ધ દવેએ 90303 તો હરીફ કોંગ્રેસના ઉમેદવાર 42006 મત મળતાં ભાજપનો આ બેઠક પર 48297 મતથી વિજય થયો હતો. ગઢશીશા પટ્ટી સહિતે ઝોળી છલકાવી અપસેટ સર્જવા માટે જાણીતી મેરામણના મુલકની આ બેઠક પર ગઢશીશાની પટીના ગામોની સાથે માંડવી અને મુન્દ્રાના શહેરી વિસ્તારોના મત નિર્ણાયક સાબિત થવાના હતા. ગત ચૂંટણીમાં સાવ મુન્દ્રા અને માંડવીમાં ભાજપને થોડી પાતળી સરસાઈ મળી હતી. પણ આ વખતે ગઢશીશા પટી હોય કે પછી માંડવી-મુન્દ્રા શહેર હોય કે મુન્દ્રાની ઐાધ્યોગિક પટીના ગામો હોય તમામે ભાજપને ખોબલે ખોબલે મત આપી કેસરિયા પક્ષની ઝોળી છલકાવી દીધી હતી. નાના પક્ષોએ કોંગ્રેસની બાજી બગાડી માંડવી વિધાનસભા બેઠકના ચૂંટણી ઈતિહાસ પર નજર કરીએ તો 1990માં આ બેઠક પરથી ચૂંટાઈ ધારાસભ્ય બનેલા રાજયના પૂર્વ મુખ્યમંત્રી સુરેશચંન્દ્ર મહેતા અહીથી 17000 મતની સરસાઈથી જીત્યા જે અત્યાર સુધીનો વિક્રમ હતો આ રેકર્ડ 2022ની વર્તમાન ચૂંટણીમાં તુટયો છે. તો માંડવી બેઠક પર કોઈ પણ ઉમેદવારે 90,000 મત મેળવ્યા તેવુંય પ્રથમવાર બન્યું છે. આમ આદમી પાર્ટીના કૈલાશદાન ગઢવીએ 22791, એઆઈએઁમના મહંમદ ઈકબાલ માંજલિયાએ 8494 અને નોટામાં પડેલા 2427 મતે કોંગ્રેસના મતમાં મોટું ગાબડું પાડી કારમી હારનો ઘુંટડો ચખાડયો હતો. ભાજપમાં ઉત્સાહ : કોંગ્રેસમાં સન્નાટો સવારે મતગણતરીનો ધમધમાટ શરૂ થયો ત્યારથીજ જેમજેમ ઈવીએમ ખુલતા ગયા તેમ તેમ ભાજપનો વિજયપથ વધુને વધુ આસાન બનતો જોવા મળ્યો હતો. જેમજેમ ભાજપની લીડ વધતી ગઈ તેમ તેમ કેસરિયા બ્રિગેડમાં ઉજવણીનો માહોલ છવાયો તો વિરોધી છાવણીમાં સન્નાટો છવાતો જોવા મળ્યો હતો. 2017માં વિરેન્દ્રસિહ જાડેજા અહીથી કોંગ્રેસના કદાવર નેતા શકિતસિંહ ગોહિલને હરાવી વિજેતા થયા ત્યારે 9036 મતથી વિજયી બન્યા જે સરસાઈ આ ચૂંટણીમાં પાંચ ગણી વધી ગઈ છે. બપોરે મતગણતરી સંપન્ન થયા બાદ વિજયી ઉઁમેદવારની ઘોષણા થઈતે સાથેજ ઢોલ નગારાના નાદ સાથે વિજયના વધામણા કરાયાં હતા. પાંચ વીવીપેટના મતોની તારવણી ઈવીએમ સાથે કરવામાં આવી હતી. વિજયી અને હરીફ ઉમેદવારોએ એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી. મુન્દ્રામાં ભાજપના કાર્યકરોએ બસ સ્ટેશન પાસે વિજયોત્સવ મનાવ્યો હતો. નગરપાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ ઠકકર અને કરન મહેતાએ વિકાસકામ થકી જીત મળી હોવાનું કહયું હતું. ભારતમાતા કી જયના નાદ સાથે માહોલ ગાજી ઉઠયો હતો. ઉર્મિલાબેન ગઢવી, મોહિનીબેન ચુડાસમા, હિમાલય જોશી સંજય ઠકકર સહિત ઉપસ્થિત રહયા હતા. ગઢશીશામાં પણ કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદે આઝાદ ચોક અને લોહાર ચોકમાં વિજયની ઉજવણી કરી હતી. પૂર્વ મુખ્યમંત્રીનો સરસાઈનો રેકોર્ડ તુટયો પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ 1990માં મેળવેલી અત્યાર સુધીની સર્વાધિક સરસાઈનો રેકોર્ડ બે દાયકા બાદ તુટતાં મતદારોએ ઉમળકાભેર સતાપક્ષને વધાવી લીધો છે.

© 2023 Saurashtra Trust