કચ્છના જન પ્રતિનિધિઓ સરકાર સાથે વિકાસનાં કાર્યોને વેગવંતું કરશે

કચ્છના જન પ્રતિનિધિઓ સરકાર સાથે વિકાસનાં કાર્યોને વેગવંતું કરશે
ભુજ, તા. 12 : વડાપ્રધાન નરેદ્રભાઇ મોદીએ કરેલા આહ્વાનને બરાબરનું ઝીલીને લોકોએ જબ્બર પ્રતિસાદ આપવા સાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક અને વિક્રમજનક જીતનું સર્જન કર્યું હોવાની પ્રતિક્રિયા કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ આપી હતી. સાંસદે કચ્છ અને રાજ્યની પક્ષની આ જીત માટે પક્ષની ટોપ ટુ બોટમ સમગ્ર ટીમને યશભાગી ગણાવતા કચ્છના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સરકાર સાથે ખભેખભા મિલાવી વિકાસનાં કાર્યોને વધુ વેગવંતાં બનાવશે તેમ જણાવ્યું હતું. કચ્છ અને મોરબીની તમામ સાત બેઠક ઉપર ચૂંટણીમાં ભગવો લહેરાયા બાદ એક યાદીમાં આનંદની લાગણી વ્યકત કરતા સાંસદ વિનોદભાઇ ચાવડાએ ચૂંટાયેલા ધારાસભ્યોને આવકારતા અને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, કચ્છ અને રાજ્યમાં થયેલો આ રેકોર્ડરૂપ વિજય ભાજપની સમસ્ત ટીમને આભારી છે. તો કચ્છ અને રાજ્યના મતદારોનો આ ચુકાદો પણ તેમણે સીમાચિહ્નરૂપ લેખાવ્યો હતો. કચ્છના જન પ્રતિનિધિઓ સરકાર સાથે રહીને વિકાસનાં કામોને વધુ વેગવંતાં બનાવશે તેવો કોલ આપતા સાંસદે એવું પણ કહ્યું હતું કે, કચ્છ-ગુજરાતના લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇએ મૂકેલા ભરોસાને સાર્થક કર્યો છે. તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની સૂઝબૂઝ અને માઇક્રોપ્લાનિંગ પણ આ જીત માટે નિર્ણાયક સાબિત થયા છે.

© 2023 Saurashtra Trust