`નરેન્દ્રભાઈની વિકાસયાત્રા અને ભૂપેન્દ્રભાઈએ આગળ વધારેલાં કામોથી વિક્રમી વિજય''

`નરેન્દ્રભાઈની વિકાસયાત્રા અને ભૂપેન્દ્રભાઈએ  આગળ વધારેલાં કામોથી વિક્રમી વિજય''
ભુજ, તા. 8 : `વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસયાત્રાને મુખ્યમંત્રી પદેથી ભૂપેન્દ્રભાઈએ વિકાસને વધાર્યે' પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલનું માઈક્રો મેનેજમેન્ટ તેમજ કચ્છમાં છ સર્વમાન્ય ઉમેદવારોની પસંદગીને કચ્છના આ જ્વલંત અને ઐતિહાસિક વિજયનો યશ જાય છે એમ જિલ્લા ભાજપના કાર્યકારી અધ્યક્ષ વલમજીભાઇ હુંબલે જણાવ્યું હતું. સહકારી ક્ષેત્રના આગેવાન અને જિલ્લા પ્રમુખને ટિકિટ જાહેર થતાં જેમને ચૂંટણી પૂર્વે જ ભાજપ પ્રમુખની જવાબદારી સોંપાઇ હતી એવા વલમજીભાઇએ કચ્છના ઇતિહાસનું ભાજપ માટેનું સૌથી ઉજ્જવળ પરિણામ જાહેર થયાં બાદ કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું કે, `આ મોવડીઓના વિકાસકામો તેમજ પક્ષના નેતાઓ અને કાર્યકરોની અથાગ મહેનતને આભારી છે. કચ્છના મતદારોએ ભાજપ પર મૂકેલા જબરજસ્ત વિશ્વાસને આભારી છે.' કચ્છીઓએ વિક્રમી જીત આપી, હવે પક્ષ ક્યા કામો કરી ઋણ ચૂકવશે એવા પ્રશ્ને તેમણે કહ્યું કે, ખેડૂતોના પ્રશ્નો, પશુપાલકોની સમસ્યા ઉકેલવા અને નર્મદા પેટા કેનાલો સહિતના મુદ્દે અપાયેલાં વચનો પૂર્ણ કરવાને અગ્રતા આપવામાં આવશે. કચ્છે મત આપવામાં કોઇ પાછીપાની નથી કરી, તો ભાજપ પણ મંત્રીપદ આપી શકે ને ? એવા પ્રશ્ન પર શ્રી હુંબલે કહ્યું કે, ભાજપનું મોવડીમંડળ કચ્છથી પ્રભાવિત છે અને ક્યારેય કચ્છ જિલ્લાને નજરઅંદાજ કરવામાં નથી આવતો.

© 2023 Saurashtra Trust