8.2 ડિગ્રીએ નલિયામાં સિઝનનો ઠંડો દિવસ: પારો વધુ ગગડશે

ભુજ, તા. 6: કચ્છમાં ઠંડીનો દોર હવે પોતાની પકકડ મજબુત બનાવી રહયો હોય તેમ કચ્છી કાશ્મીર એવા નલિયામાં પારો વધુ ગગડીને 8.2 ડિગ્રીએ પહોંચતા વર્તમાન શિયાળાની સિઝનના સાથી ઠંડા દિવસની અનુભુતિ થઈ હતી. હવામાન વિભાગે લઘુતમ પારો વધુ ગગડવાની આગાહી કરી છે. રાજયના મોખરાના ઠંડા મથકોમાં નલિયાએ પોતાનું અગ્રીમ સ્થાન જાળવી રાખ્યું છે. જિલ્લાના તમામ મથકોમાં પવનની ઝડપ થોડી વધતાં દિવસના ભાગે પણ ખુશનુમા માહોલની અનુભુતિ થઈ હતી. જિલ્લા મથક ભુજમાં વધુ એક દિવસ પારો 13.6 તો કંડલા(એ)માં 13 ડિગ્રીએ સ્થીર રહેતાં ભુજ, અંજાર, ગાંધીધામ સહિતના વિસ્તારમાં ખાસ કરીને રાત્રીના સમયે ઠાર સાથે ઠંડીની ચમક વર્તાઈ હતી. હવામાન વિભાગે બે દિવસમાં પારો વધુ બેએક ડિગ્રી જેટલો ગગડયા બાદ ફરી એકવાર ઉંચકાય તેવી આગાહી કરી છે. આવતા અઠવાડિયે વાતાવરણમાં થોડી અસ્થીરતા જોવા મળે તેવા સંકેત પણ દેખાઈ રહયા છે.