ભુજની પીપીએસસી ક્લબ પાસેના માર્ગથી શહેરીજનો બન્યા ત્રસ્ત

ભુજ, તા. 6 : શહેરના હજારો લોકોની જ્યાંથી અવર-જવર હોય છે તેવા પીપીએસસી ક્લબ પાસેના માર્ગની હાલત અતિ બિસમાર બનતાં વાહનચાલકો ત્રસ્ત બની ગયા છે અને સુધરાઈ દ્વારા સત્વરે માર્ગ મરંમત કરાય તેવી માંગ ઊઠી છે. ભુજમાં વરસાદ સમયે અનેક માર્ગો જર્જરિત બન્યા હતા. સુધરાઈ દ્વારા દિવાળી પર્વ પહેલા માર્ગ મરંમત કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ જ્યાંથી હજારો લોકોની આવ-જા રહે છે તેવા પીપીએસસી ક્લબ પાસેના માર્ગ પર ખાડા પડી જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે, સુધરાઈ કચેરી નજીક હોવા છતાં અને અધિકારી-પદાધિકારીઓ અને કર્મચારીઓ પણ આ રસ્તે આવજાવ કરતા હોય છે પણ લાંબો સમય થયો હોવા છતાં આ સમસ્યા યથાવત રહી છે. ભુજ સુધરાઈના સત્તાધીશો આ બાબતે ધ્યાન આપી લાંબા સમયથી ઉપરોકત માર્ગનો નાનો એવો ભાગ સત્વરે રિપેર કરાવી લોકોને સમસ્યામાંથી છૂટકારો અપાવે તેવી લોકલાગણી ફેલાઈ છે.