મતગણતરી માટે તંત્ર સજ્જ: ત્રિસ્તરીય સુરક્ષા કવચ ગોઠવાશે

ભુજ, તા. 4 : કચ્છની છ બેઠક માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ હવે તંત્ર દ્વારા ઈન્જિનીયરિંગ કોલેજ ખાતે ગુરુવારે હાથ ધરાનારી મતગણતરીને સુપેરે પાર પાડવા માટે સઘન વ્યાયામ આદરવામાં આવ્યો છે. મતગણતરીના સ્થળ ખાતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તે માટે ત્રિસ્તરીય સુરક્ષા કવચ ગોઠવવામાં આવશે. મતગણતરીના આ કાર્યને સુપરે પાર પાડવા માટે 12પ માઈક્રો ઓબઝર્વર સહિત 7પ0થી વધુ કર્મચારી ફરજ બજાવશે. સવારે આઠ વાગ્યાથી હાથ ધારનારી મતગણતરીનો પ્રારંભ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી સાથે કરવામાં આવશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભરત પટેલે વિગતો આપતાં કહ્યું કે, ઈન્જિનીયરિંગ કોલેજ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે ઈવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવાયા છે. 20 જેટલા સીસીટીવી કેમેરા મારફત સુરક્ષા વ્યવસ્થાનું સતત નિરીક્ષણ કરવા સાથે મતગણતરી કેન્દ્રની આ સુરક્ષા કામગીરીનું 24 કલાક વેબ કાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ઈન્જિનીયરિંગ કોલેજ ખાતે ગોઠવાયેલા સુરક્ષા બંદોબસ્ત પર પ્રકાશ પાડતાં શ્રી પટેલે કહ્યું કે, મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ કરતા પૂર્વે ત્રિસ્તરીય સુરક્ષા કવચમાંથી પસાર થવું પડશે. મતગણતરી કેન્દ્રના બહારના ભાગે સ્થાનિક પોલીસ દ્વારા આનુષંગિક સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં આવશે. એ પછી બીજા ચરણમાં એસઆરપી અને મતગણતરીના મુખ્ય પ્રવેશદ્વાર અને મતગણતરી કક્ષની સુરક્ષા વ્યવસ્થા સીએપીએફ એટલે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ દ્વારા સંભાળવામાં આવશે. મતગણતરીની કામગીરીમાં જોડાયેલા 12પ જેટલા માઈક્રો ઓબઝર્વરને જિલ્લા કક્ષાએ તાલીમ આપવામાં આવી હતી, તો કાઉન્ટિંગ સુપર વાઈઝર સહિતના સ્ટાફને વિધાનસભા બેઠકના નિયુક્ત ચૂંટણી અધિકારીઓ દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા. મતગણતરીના સવાર સુધી મળેલા પોસ્ટલ બેલેટના મત ગણતરીમાં લેવાશે. મતગણતરી સવારે આઠ વાગ્યે શરૂ થશે તે પૂર્વે સવારે સાત વાગ્યા સુધી મળેલા પોસ્ટલ બેલેટના મતોને ગણતરીમાં આવરી લેવાશે. મતગણતરીની શરૂઆત પોસ્ટલ બેલેટના મતોની ગણતરી સાથે કરવામાં આવશે. અત્યાર સુધી પ000થી વધુ પોસ્ટલ બેલેટ મળી ચૂકયા છે. સરકારી કર્મચારીઓ, વૃદ્ધો અને દિવ્યાંગો ઉપરાંત સેવા મતદાર તેમજ અન્ય જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓને પોસ્ટલ બેલેટમાં આવરી લેવાયા છે. આ રીતે ગોઠવાશે વ્યવસ્થા મતગણતરી માટે છ કાઉન્ટિંગ રૂમ બનાવાયા છે, જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં રાપર, પહેલા માળે ભુજ, ગાંધીધામ અને માંડવી તો બીજા માળે અંજાર અને અબડાસા બેઠકની ગણતરી હાથ ધરવામાં આવશે.

© 2023 Saurashtra Trust