મતોત્સવ પૂરો; હવે રણોત્સવની જમાવટ

મતોત્સવ પૂરો; હવે રણોત્સવની જમાવટ
ભીરંડિયારા (તા. ભુજ), તા. 4 (પ્રતિનિધિ દ્વારા) : કચ્છની વિધાનસભાની છ બેઠક માટેનો રસાકસીભર્યો જંગ જામ્યો, પ્રચાર, ચૂંટણીસભા, ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન, ઉમેદવારોનો રૂબરૂ સંપર્ક જેવા વાતાવરણથી  પંદર-વીસ દિવસ જિલ્લાના ગામેગામ ગાજતાં રહ્યાં હતાં. ઉમેદવારોએ મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવ્યું અને સમગ્ર કચ્છ પંથક મતોત્સવની ઉજવણીમાં જોડાયો. ગુરુવારે મતદાન સંપન્ન થતાં જ મતોત્સવ શાંત થયો. તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા?છે અને ભર્યું નાળિયેર ફોડવાની સૌ રાહમાં છે. મતોત્સવના સમાપન પછી હવે ગુલાબી ઠંડીનો માહોલ પણ જામી રહ્યો છે તેની સાથે સાથે જિલ્લાના પ્રવાસનની ચરમસીમા સમાન રણોત્સવની રંગત પણ હવે જામી રહી છે. ચૂંટણીને કારણે શુષ્ક રહેલા વાતાવરણમાં ગરમાવો આવી રહ્યો છે. જિલ્લાના પ્રવાસન મથકોમાં મુલાકાતીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. જિલ્લાભરની હોટેલ, હોમ સ્ટે, રિસોર્ટ અને રેસ્ટોરન્ટ, ધર્મશાળા સાથે જોડાયેલા ધંધાર્થીઓને વ્યવસાય મળતાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સફેદ રણ, કાળોડુંગર તરફ જતા માર્ગમાં આવતાં કચ્છના મીઠા માવા માટે જાણીતાં ભીરંડિયારા ગામે પણ રોનક જોવા મળે છે. હસ્તકળાના વ્યવસાય ધરાવતા કારીગરોના ભૂંગામાં ભારે ભીડ જામી રહી છે તો મીઠા માવાની દુકાનો પર પણ લોકોનો ધસારો હવે દેખાઇ?રહ્યો છે. શરૂઆતથી જ આ વાતાવરણ જોવા મળતાં વેપારીઓમાં આ વખતે સારા વકરાની આશા જન્મી છે. સફેદ રણ જવા ઓનલાઇન પરવાનગી મળવાની શરૂઆત થતાં ભીરંડિયારા ચેકપોસ્ટ પર પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. રવિવારે પ્રવાસીઓનો ભારે રસ જોવા મળ્યો હતો. આમ, હવે મતોત્સવના સમાપન પછી રણોત્સવની જમાવટ જોવા મળી રહી છે.

© 2023 Saurashtra Trust