વાગડમાં પેટા કેનાલ ચલાવીને ખેતરોમાં ગ્રેવિટીથી પાણી પહોંચાડાયું

રાપર, તા. 4 : કચ્છ શાખા નહેરમાં ગત સપ્તાહે પાંચ જણા ડૂબી જવાથી શોધખોળ માટે કેનાલમાં પાણીનો જથ્થો ઓછો કરવામાં આવ્યો હતો, પરંતુ કચ્છ માટે ફરી પાણીનો જથ્થો મુખ્ય કેનાલમાં વહી રહ્યો છે. દરમ્યાન આ વખતે વાગડની ચાર ડિસ્ટ્રીમાં પાણી વહેતું કરી ગ્રેવિટીથી ખેતરોમાં પાણી પહોંચાડાયું છે. આ અંગે મળતી વિગતો મુજબ આજે મઢુત્રાથી કચ્છ માટે 1600 કયુસેક પાણીનો જથ્થો વહેતો કરાયો છે. માંજુવાસ ખાતે બે મોટા અને એક નાનો પમ્પ અને ફતેહગઢ પાસે એક મોટો અને ત્રણ નાના પમ્પ ચાલુ છે. હાલ પાણીનો જથ્થો સુવઈ ખાતે પહોંચ્યો હતો. મોડી રાત્રિ સુધી પાણી ભચાઉ પહોંચી જશે. ટપ્પર ડેમમાં પાણીની વધારે જરૂરિયાત હોઈ ભચાઉ ખાતેના પમ્પિંગ સ્ટેશન ખાતે એક નાનો પમ્પ ચાલુ થશે અને બે પમ્પ ચલુ થવાથી દુધઈ સબ બ્રાન્ચ કેનાલમાં પાણી વહેતું કરવાનું આયોજન થઈ શકશે. ભચાઉમાં પાણીનું લેવલ વધશે તો વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલમાં પણ પાણી વહેતું કરી શકાશે. આગામી બે કે ત્રણ દિવસમાં જ્યાં-જ્યાં પાણીની જરૂરિયાત હશે ત્યાં પાણી પહોંચાડવાનું નર્મદા નિગમનું આયોજન છે. ફતેહગઢ પમ્પિંગ સ્ટેશન ખાતે વધુ બે પમ્પ ચાલુ થયા બાદ પેટા કેનાલમાં પાણી વહેતું કરાશે. આ વખતે પ્રથમ વખત ફતેહગઢ ખાતે બે મોટા પમ્પ ચાલુ રાખવાનો રેકોર્ડ થયો છે. આ ઉપરાંત શાનગઢ, રવેચી, બંધડી અને માંજુવાસ ડિસ્ટ્રીમાં સતત ચાર દિવસથી પાણી વહેતું કરાયું છે. સતત પાણી ચાલુ હોવા છતાંય કેનાલ તૂટવાના કોઈ બનાવ બન્યા નથી. આ પેટા કેનાલ ચાલુ રહેવાથી ખેડૂતોના ખેતરમાં ગ્રેવિટીથી પાણી પહોંચ્યું છે અને ડીઝલનો ખર્ચ બચ્યો છે. જેમ જેમ પાણી વધશે તેમ તેમ પેટા કેનાલ વધુ ચાલુ રાખવાનો પ્રયાસ કરાશે તેમ નિગમના સૂત્રોએ જણાવ્યું હતું. ખેડૂતો પૂરતું ધ્યાન આપશે તો પેટા કેનાલ વધુ લેવલમાં ચલાવી વધુ વિસ્તારને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવશે. પેટા કેનાલના કામો પૂરા થયા બાદ ખેડૂતોએ માઈનર મુજબ નર્મદા સહકારી પિયત મંડળી મારફત પાણી વિતરણની વ્યવસ્થા કરવાની રહેશે. જ્યાં પેટા કેનાલમાં પાણી ચાલુ હોય ત્યાં કઈ રીતે પાણીનું વિતરણ થઈ રહ્યું છે તેની મુલાકાત લેવા ખેડૂતોને અનુરોધ કરાયો છે.