કંપાલા કચ્છ, કચ્છીયત અને કણબી રંગે રંગાયું

કંપાલા કચ્છ, કચ્છીયત અને કણબી રંગે રંગાયું
વસંત પટેલ દ્વારા કેરા (તા. ભુજ), તા. 4 : કંપાલામાં 50 વર્ષ પછી પુન: કચ્છ, કચ્છીયતનો ધબકાર અસલ તાલમાં આવ્યો છે. રવિવાર સવારથી યુગાન્ડાના પાટનગર કંપાલાએ `કણબી કાર્નિવલ' માણ્યો હતો. ત્રણ કિ.મી. લાંબી ઠાકોરજીની શોભાયાત્રામાં સાત દેશોના ધ્વજ, પાંચ હજાર હરિભક્તો, 71 સંતો અને સ્થાનિક અધિકારીઓ, રાજકીય આગેવાનો જોડાયા હતા. આખાય મહોત્સવમાં કચ્છી મહિલાઓની જહેમત કાબિલેદાદ રહી હતી. તો આવાસ યોજનાની જાહેરાત કરતાં હસુભાઇ ગરીબોના બેલી બન્યા હતા. ઠાકોરજીના મહાભિષેક સહિતના આયોજનો, પ્રદર્શન સહિત અનેકાનેક કાર્યક્રમો યોજાયા હતા. કંપાલાના મોભી પરબતભાઇ સિયાણી, મંદિર પ્રમુખ હિતેષભાઇ જેસાણીની જહેમતની ખાસ નોંધ લેવાઇ હતી. ભુજ સ્વામિનારાયણ મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીની અધ્યક્ષતામાં કચ્છ સત્સંગના શિરમોર કોમ્પ્લેક્સમાં મંદિર, શાળા, નર્સરી સહિતની સુવિધાના લોકાર્પણ પ્રસંગે પાંચ હજાર હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કણબી, કચ્છી સંસ્કૃતિના ગાડા, પહેરવેશ, સાડલા, બેન્ડ પાર્ટી સહિત કચ્છી સત્સંગ મંડળીઓના રણઝણાટ, સ્કોટીશ બેન્ડ, રંગબેરંગી બેડલા, મહિલા ઢોલ ટીમ, યુગાન્ડાના રાષ્ટ્રીય પક્ષી જેવા ફલોટ્સ પર આચાર્ય મહારાજ, લેઝીમ, આફ્રિકન નૃત્યો, દ્વિચક્રી વાહનો, રંગબેરંગી પાઘડીઓ, ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરના ફલોટ, યુગાન્ડા ફલેગ સાથે વહાણ બેડાં, દાંડિયા, તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સવારે 8 કલાકે આર્યસમાજ સ્કૂલથી આરંભાયેલી શોભાયાત્રા કીરા રોડ પોલીસ સ્ટેશન થઇ કબીરા કાઉન્ટ્રી કલબ પાસેથી સ્વામિનારાયણ કોમ્પ્લેક્સ પહોંચી ત્યારે નરનારાયણદેવના જયઘોષથી વાતાવરણ ગાજી ઊઠયું હતું. આજથી 50-60 વર્ષ પહેલાં કણબી વડીલો જે પરંપરાગત વત્રો પહેરતા તે કોડિયું-ચોરણી માથે પાઘળી પહેરી યુવાનોએ કંપાલામાં પોતાના પૂર્વજોના સમર્પણને ગૌરવભેર યાદ કર્યું હતું. નગરયાત્રાની વિગતો આપતાં મિરજાપરના ઉત્સાહી કાર્યકર રાજેશભાઇ હીરાણીએ ઉમેર્યું કે, છેલ્લા છ દિવસથી અતિ ઉત્સાહ, ધાર્મિક-સામાજિક લાગણી સાથે સહિયારા પુરુષાર્થથી મહોત્સવ ઊજવાઇ રહ્યો છે. સમગ્ર આયોજનમાં વડીલ-યુવા સંતો પરિવેશને ઘેરા-ઘાટા ભગવા રંગે રંગી દીધું હતું, તે સાથે આયોજને પરાકાષ્ઠા ધારણ કરી હતી. શનિવારની સભામાં સમગ્ર કોમ્પ્લેક્સના મુખ્ય દાતા અને કચ્છી દાનવીર હસમુખભાઇ કાનજી ભુડિયાએ કંપાલા આવાસ યોજનાની ઐતિહાસિક જાહેરાત કરી આખું સંકુલ જાતે બનાવી દેવા ધરપત આપી હતી. તેમણે સમગ્ર સર્જન-આયોજનમાં સૌએ સાથ આપ્યો છે, પરંતુ પ્રતિકાત્મક રીતે વડીલ પરબતભાઇ ભીમજી સિયાણી, હિતેષભાઇ જેસાણી, રાજુભાઇ હીરાણી, નિમિષ સિયાણી, બિપીનભાઇ અરજણ પિંડોરિયા, અરવિંદ વેકરિયા, દિનેશભાઇ હાલાને ઊભા કરી તેમનાં કાર્યોને બિરદાવ્યું હતું અને તે સિવાય સૌએ ખૂબ મહેનત કરી હોવાથી સહિયારો યશ આપ્યો હતો. આ પ્રસંગે મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ હસુભાઇના કાર્યને ખૂબ મોટું કહી રાજીપો પ્રગટ કર્યો હતો. કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે આશીર્વાદ આપ્યા હતા. શબ્દ સંકલન નારાણપર ગુરુકુળના શાત્રી ધર્મચરણદાસજી સ્વામીએ કર્યું હતું. કંપાલામાં કચ્છીઓ નિર્મિત શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન યુગાન્ડાના રાષ્ટ્રપતિ મુસેબીએ કર્યું હતું. તેમણે યુગાન્ડાની પ્રગતિમાં ભારતીયોના યોગદાનની નોંધ લીધી હતી. ઉત્સવમાં ભાગ લેવા મૂળ સામત્રાના નાઇરોબી નિવાસી દાતા ઉદ્યોગપતિ કે. કે. પટેલ, વિલ્સડન મંદિર ટ્રસ્ટી દાનવીર કે. કે. જેસાણી (બળદિયા), યુ.કે. કોમ્યુનિટી અધ્યક્ષ માવજીભાઇ વેકરિયા (કોન્ફોર્ડ), માતૃ સંસ્થા ભુજ સમાજથી એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, પૂર્વાધ્યક્ષ અરજણભાઇ પિંડોરિયા, રામજીભાઇ દેવશી વેકરિયા, કાંતિભાઇ અરૂશા સહિત ઓસ્ટ્રેલિયા, યુ.કે., આફ્રિકાના દેશો, કચ્છ તેમજ અખાતી દેશોના કચ્છીઓ ભાગ લઇ રહ્યા છે. યુગાન્ડાના કચ્છીઓના ઇતિહાસમાં આ સૌથી મોટો ઉત્સવ છે.

© 2023 Saurashtra Trust