બે દિવ્યાંગ ધારાશાત્રીએઁ વિશ્વ દિવ્યાંગ દિને આપ્યો દૃઢ મનોબળનો સંદેશો

બે દિવ્યાંગ ધારાશાત્રીએઁ વિશ્વ દિવ્યાંગ દિને આપ્યો દૃઢ મનોબળનો સંદેશો
રમેશ ગઢવી દ્વારા કાઠડા (તા. માંડવી), તા. 4 : વિકાસના વંટોળમાં ધંધા વ્યવસાય વધ્યા છે તે સાથે ક્રાઈમરેટ પણ વધતો હોવાથી સ્વને સુરક્ષિત રાખવાની જવાબદારી પોતાની છે. આ માટે બંધારણીય કાયદાનું જ્ઞાન દરેક નાગરિકને હોવું જરૂરી છે, તેવું વિશ્વ દિવ્યાંગ દિને માંડવી અને તલવાણાના દિવ્યાંગતાને મહાત આપી દૃઢ મનોબળથી આગળ વધેલા યુવા ધારાશાત્રીઓ અન્ય દિવ્યાંગજનોને પણ મક્કમતાથી આગળ આવવા પ્રેરણા પૂરી પાડે છે. મનુષ્ય જીવનમાં શિક્ષણનું તો મહત્ત્વ છે જ, પણ સાથોસાથ કાયદાનું પણ જ્ઞાન હશે તો દેશ-દુનિયામાં મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, તેવું કહેતાં મૂળ માંડવીમાં ગોકુલવાસ ખાતે રહેતા લક્ષ્મણભાઈ બાબુલાલ પારિયા (મહેશ્વરી) જેઓ 70 ટકા જેટલી દિવ્યાંગતા ધરાવતા હોવા છતાં મનથી મક્કમ છે. તેનો પુરાવો તેઓ ખુદ આપે છે. 1થી 7 ધોરણ ગોકુલદાસ બાંભડાઈ શાળામાં, તો 8થી 12 જી.ટી. હાઈસ્કૂલ, બાદ માંડવીમાં કોલેજ અને ભુજ ખાતે એલએલબી કરી માંડવીમાં વકીલાત ક્ષેત્રે જોડાયા છે. વકીલ શ્રી પારિયાએ વધુમાં જણાવ્યું કે, કોર્ટ કેસ, રેવન્યૂ સહિતના દરેક કામો કરું છું. 2019માં સનદ મેળવીને સ્વનિર્ભર બનવાનો સંકલ્પ કર્યો છે. આજે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે કહું છું કે, ભલે 100 ગુનેગારને મુક્ત કરાય પણ નિર્દોષને સજા ન થવી જોઈએ એ મારો ધ્યેય છે. પરિવારમાં બે ભાઈ, એક બહેન, માતા-પિતા સંયુક્ત પરિવાર છે. કાયદાકીય જાગૃતતા અંગે પૂછતાં તેમણે કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયામાં લોકોને કાયદાકીય જ્ઞાન ઘરબેઠા પ્રાપ્ત થાય તે માટે સુપ્રીમ કોર્ટ તથા અન્ય કોર્ટ પણ લાઈવ સેશનમાં હોય છે. જેથી ઘરબેઠા તમે મોબાઈલ મારફતે જોઈ શકો છો. સાથે સાથે યુ ટયુબ ઉપર પણ આ જ્ઞાન મેળવી શકો છો. આવનારા સમયમાં વકીલાત સાથે અન્ય ઈચ્છા ખરી ? તેના ઉત્તરમાં જણાવ્યું કે, હા નોટરી સાથે સરકારી વકીલ બનવાની ઝંખના છે. જે માટે તૈયારી પણ આદરી છે. તો તાલુકાના ગ્રામીણ ક્ષેત્ર તલવાણામાંથી યુવા વકીલ રઘુવીરસિંહ મહાવીરસિંહ જાડેજા જે માત્ર બે વર્ષની વયે પોલિયોના કારણે દિવ્યાંગ બન્યા, પણ સામાન્ય લોકોની જેમ જ સાંસારિક જીવન જીવીને અન્યોને પ્રેરણા આપે છે અને કહે છે કે, `િજંદગી મેં કભી હાર નહીં માનના' આ સિદ્ધાંત પર ચાલીને આગળ વધશું તો સફળતા સામે ચાલીને આવશે. તેમણે મક્કમ મનોબળથી કહ્યું કે, પ્રાથમિકથી કોલેજ સુધીનો અભ્યાસ માંડવીમાં કરીને લો કોલેજ ભુજમાં કાયદાના સ્નાતક થયા બાદ વકીલાત ક્ષેત્રમાં છેલ્લા 13 વર્ષનો અનુભવ ધરાવું છું. સિવિલ, રેવન્યૂ સહિતની તમામ કામગીરી કરું છું. સાંસારિક જીવન અંગે પૂછતાં શ્રી જાડેજાએ જણાવ્યું કે, મારી દિવ્યાંગ ધર્મપત્નીએ પણ બી.એડ્. સુધીનો અભ્યાસ કર્યો છે અને પુત્રે પણ અભ્યાસ અર્થે ડગ માંડયો છે. તેમણે આવનારા સમયમાં વકીલાત ક્ષેત્રમાં આગળ વધી નોટરી તરીકે જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

© 2023 Saurashtra Trust