11.4 ડિગ્રીએ નલિયાએ ઠંડીમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું

ભુજ, તા. 4 : રવિવારે ઊંચકાયેલા લઘુતમ પારાએ ઠંડીમાં થોડી રાહત આપી હતી, પણ ફરી પાછું તાપમાન બેથી ત્રણ ડિગ્રી ગગડવાની આગાહી હવામાન વિભાગે કરતાં ઠંડીની ઘાર આંશિક તેજ બને તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. 11.4 ડિગ્રીએ નલિયા વધુ એક દિવસ રાજ્યનું ઠંડું મથક બની રહ્યું હતું. ભેજના પ્રમાણમાં વધારા સાથે પવનની ગતિ મંદ પડતાં ઠંડીમાં થોડી રાહત મળી હતી. બપોરના ભાગે હુંફાળા માહોલની અનુભૂતિ થઈ હતી. કંડલા(એ.)માં પારો ગગડીને 12.6 ડિગ્રી પહોંચ્યો હતો. નલિયા અને ગાંધીનગર બાદ કંડલા(એ.) રાજ્યનું ત્રીજા નંબરનું ઠંડું મથક બન્યું હતું. જિલ્લા મથક ભુજમાં પારો 1પ.4 ડિગ્રીએ અટકેલો રહ્યો હતો. કંડલા પોર્ટમાં 1પ.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. હવામાન વિભાગનું માનીએ તો પહાડી રાજ્યોમાં જોઈએ તેટલી હિમવર્ષા ન થતાં ઉત્તર દિશાના બર્ફ્રિલા પવનો ફુંકાવવાનું શરૂ થયું નથી. જો કે, હવે પવનની દિશામાં ફેરફાર થવાની શકયતા સાથે લઘુતમ પારો બેથી ત્રણ ડિગ્રી ગગડવા સાથે એકલ આંકમાં પહોંચે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. મોડી સાંજથી વહેલી સવાર સુધી ઠંડીની વર્તાતી ચમકથી લોકોને ગરમ વત્રો પહેરવાની ફરજ પડી રહી છે. વર્તમાન શિયાળાની સિઝનમાં એક જ વાર નલિયામાં પારો એકલ આંકમાં પહોંચ્યો છે.