ખટમીઠાં કોટીંબાનો પાક શ્રીકાર પાક્યો

ખટમીઠાં કોટીંબાનો પાક શ્રીકાર પાક્યો
ઉમર ખત્રી દ્વારા મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 4 : કચ્છમાં જો સારું ચોમાસું જાય તો વરસાદી ફાલ સીમાડે ન સમાય... આ વખતે સારા વરસાદ બાદ ખાવામાં સ્વાદિષ્ટ, ખટમીઠાં કોટીંબાનો ફાલ સીમાડાઓમાં પુષ્કળ પ્રમાણમાં પાક્યો છે. ચોમાસામાં વિવિધ તળપદી વનસ્પતિ ઊગી નીકળે છે. સસ્તા, સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક તથા આયુર્વેદમાં ઉપયોગી આ કોટીંબાના કુદરતે બે આકાર આપ્યા છે અને સ્વાદમાં પણ અલગ-અલગ. વરસાદ બાદ કુદરતી રીતે ફૂટી નીકળતાં અને સીમાડામાં જમીન સરખા લાંબા વેલા થાય છે. સમય જતાં પ્રથમ આ વેલમાં પીળાં ફૂલ આવે અને પછી તેમાં ફાલ પાકે. નામ એક પણ પ્રકારમાં અલગ-અલગ. નના કોટીંબા ખેતરો, સીમાડે, વાડીઓના સેઢે પાકે, જ્યારે આના કરતાં પાંચથી છ ગણા મોટા રાં કોટીંબા વધુ પડતા રણ તેમજ બન્ની પચ્છમમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. નાના કોટીંબા પણ કદ અને દેખાવમાં એકસરખા પણ અમુક ખાવામાં ખારા પણ હોય છે. આ કોટીંબા આયુર્વેદમાં ઉપયોગી થાય છે. નાના કદના કોટીંબા શાક તથા અથાણા બનાવવામાં ઉપયોગી થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં 20થી 40 રૂા. કિલો વેચાતા આ કુદરતી ફળ શ્રમજીવી વર્ગ સીમાડામાંથી વીણીને શેરી કે બજારમાં વેચે છે. વરસોથી આ કોટીંબાના એકમાત્ર વેપારી ખરીદી કરતા હાજી દાઉદ ચાકી (નખત્રાણા)એ માહિતી આપતાં કહ્યું હતું કે, આ વખતે સારો ફાલ સારા વરસાદે ઊતર્યો છે. સીમાડામાં પાકતા કુદરતી રીતે આ કોટીંબાની ખેતી પણ થાય છે. પોતાના પરદેશ વસતા સગાં-સંબંધીઓ આ કચ્છી કોટીંબાનો સ્વાદ માણવા મુંબઇ, કોલકાતા વગેરે શહેરોમાં કચ્છથી મગાવે છે. મોટા રાં કોટીંબા સામાન્ય રીતે ચીભડાથી નાના કદના રૂપ-રંગ નાના કોટીંબા જેવા હોય છે, પણ કદમાં મોટા એટલે એને રાં કોટીંબા કહેવાય છે. આ રાં કોટીંબા બન્ની અને પચ્છમ વિસ્તારમાં વધારે પાકે છે. આ મોટા રાં કોટીંબાને વધુ માફક આવે છે. રણ પ્રદેશની મીઠી જમીનમાં જેમ અન્ય વિસ્તારમાં વરસાદી સિઝનમાં અન્ય ધાન કે કઠોળ પાક લેવાય તેમ રણપ્રદેશમાં આ કોટીંબાની રામમોલની વાવણી માલધારીઓ તેમજ મજૂરવર્ગ કરે છે.

© 2023 Saurashtra Trust