મીઠીરોહરમાં કોલસા ચોરતી ગેંગ ઝડપાઇ

ગાંધીધામ, તા. 4 : તાલુકાના મીઠીરોહરની સીમમાં ઓપન બોન્ડેડનો કસ્ટમની ડયુટી ન ભરેલા કોલસાના જથ્થામાંથી રૂા. 87,300ના કોલસાની ચોરી કરતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડયા હતા. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસના એક એ.એસ.આઇ.ની સંડોવણી પણ બહાર આવી હતી. આ પોલીસકર્મી તથા અન્ય બે મુખ્ય સૂત્રધારને  પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ?ધરવામાં આવી છે. સ્થાનિક એ-ડિવિઝનની પોલીસ ગત તા. 30-11ના પેટ્રોલિંગમાં હતી દરમ્યાન મીઠીરોહરની સીમમાં એ.વી. જોશી ગોદામ પાછળ ગાંધીધામ ડેવલોપર્સ પ્રા. લિમિટેડ નામની કંપનીના ઓપન બોન્ડેડ સર્વે નંબર 355/5માં કોલસાની ગેરકાયદે હેરાફેરી થતી હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. આ જ પ્લોટમાં અગાઉ પણ ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં અમુક શખ્સો ઝડપાયા હતા, તો અમુક બાકી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સચોટ બાતમીના આધારે પોલીસ ત્યાં ધસી ગઇ હતી અને મેઘપર બોરીચીના ચેતન રસિકલાલ દવે, લોડર ડ્રાઇવર જાલમસિંઘ સગતસિંઘ રાજપૂત તથા શંકરકુમાર બૈજનાથ શાહને પકડી પાડયા હતા. અહીં ઉભેલા લોડર નંબર જી.જે. 12-સી. એમ. 6965 દ્વારા ટ્રક નંબર જી.જે. 03 એ. એક્સ.-5212માં માલ ભરવામાં આવી રહ્યો હતો. ટ્રકમાં રહેલા માલ અંગે આ શખ્સો કોઇ આધાર-પુરાવા આપી શક્યા ન હોતા. પોતાના મિત્ર કિડાણાનો અશોક ચારણ તથા જીવણ ગઢવીએ એ-ડિવિઝનના એ.એસ.આઇ. રમેશ દાના પરમારના કહેવાથી પોતે અહીં કોલસાની ચોરી કરવા આવ્યો હોવાની કેફિયત ચેતન દવેએ પોલીસ સમક્ષ?આપી હતી. પકડાયેલા શખ્સના આ નિવેદનથી તપાસ કરતી એ-ડિવિઝન પોલીસ પણ એકચોટે ગોથે ચડી હતી. બાદમાં અશોક ચારણ અને જીવણ ગઢવીના મોબાઇલની કોલ ડિટેઇલ કઢાતા પોલીસકર્મી રમેશ પરમારની અશોક સાથે અનેકવાર વાતચીત થઇ હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા ચેતન દવે, જાલમસિંઘ તથા શંકરકુમાર પાસેથી રૂા. 87,300નો 29.100 ટન કોલસો તથા લોડર અને ટ્રક એમ કુલ્લ 80,87,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ કર્મી રમેશ પરમાર બંદોબસ્તમાં જિલ્લા બહાર હોવાથી તેમને તથા અશોક, જીવણને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ?ધરી છે. મીઠીરોહરના આ પ્લોટમાં અગાઉ પણ ચોરીનો બનાવ બન્યો હતો, તેવામાં હવે આ જ જગ્યાએ ચોરીના પ્રકરણમાં ખુદ પોલીસની સંડોવણી બહાર આવતા ભારે ચકચાર પ્રસરી હતી. પૂર્વ કચ્છમાં અગાઉ પણ બે નંબરી ધંધાઓમાં અમુક પોલીસકર્મીઓની સંડોવણી બહાર આવી ચૂકી છે. ખેડોઇ નજીક કાજુ ભરેલા વાહનની લૂંટ, મુંદરા અંજાર રોડ પાસે ઢાબામાં માદક પદાર્થ વગેરે પ્રકરણોમાં પોલીસ સંડોવણી બહાર આવી ચૂકી છે તેમજ અમુક વેળાએ દારૂ પ્રકરણોમાં પણ અમુક પલળેલા, ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની ભૂમિકા સપાટી ઉપર આવી હતી. જે પૈકી અમુક જ પ્રકરણો સત્તાવાર રીતે બહાર આવ્યા હતા. બાકીના પ્રકરણો દારૂની ખેપમાં સંતાઇ ગયા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

© 2023 Saurashtra Trust