મોટા કપાયા પાસે નર્મદા નહેરમાં પડયું ભંગાણ

મોટા કપાયા પાસે નર્મદા  નહેરમાં પડયું ભંગાણ
મોટા કપાયા (તા. મુંદરા), તા. 4 : કચ્છમાં નર્મદા નહેરમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત રહેતાં પ્રશાસન માટે એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ સર્જાવવા પામી છે. એક કેનાલમાં પડેલા ભંગાણનું હજુ સમારકામ હાથ ધરાય ત્યાં બીજા સ્થળે કેનાલમાં ભંગાણ પડતાં સમારકામ માટે તંત્રવાહકોની દોડધામ અવિરત રહે છે. મુંદરા તાલુકાના મોટા કપાયા-ગુંદાલાના નહેર માર્ગે નાનું ગાબડું પડતાં પાણીનો વ્યય થયો હતો. મોટા કપાયા-ગુંદાલા નર્મદા નહેર માર્ગે મોટા કપાયા-પ્રાગપર મુખ્ય માર્ગેથી બે કિલોમીટર અંદરના માર્ગે નદીમાં નર્મદા નહેરમાં નાનું ભંગાણ પડયું છે. નહેરના કામોમાં જ્યાં માર્ગમાં નદીઓ આવે છે ત્યાં નર્મદા નહેરને નદીના ભૂગર્ભમાં ઉતારવામાં આવી છે. છેલ્લા થોડા દિવસોથી આ સ્થળે પાણી નીકળી રહ્યું છે. તેથી નદીમાં પાણીનાં ખાબોચિયાં ભરાઇ ગયાં છે. આ ભંગાણ ભલે નાનું છે, પણ તેને નજરઅંદાજ કરી શકાય નહીં. આગળ વધતાં આ ભંગાણ મોટું થાય અને ખાબોચિયાં તળાવમાં ફેરવાઇ જાય અને કોઇ માનવી કે પ્રાણીનો તેમાં ભોગ લેવાય તેવી દહેશત જાગૃત ગ્રામજનોએ વ્યકત કરી હતી. નર્મદા નિગમ દ્વારા તાત્કાલિક આ ભંગાણને દૂર કરી પાણીનો વેડફાટ અટકાવાય તેવી માગણી કરવામાં આવી છે.

© 2023 Saurashtra Trust