સાંગનારામાં વધુ એક મોર પવનચક્કીના લીધે હણાતાં રોષ

ભુજ, તા. 4 : કચ્છમાં પવનચક્કીઓ ઠેર-ઠેર ઊભી થતાં પશ્ચિમ કચ્છમાં રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે. ગઇકાલે રાત્રે નખત્રાણા તાલુકાના સાંગનારાના સીમાડામાં વધુ એક મોર પવનચક્કીનાં કારણે હણાતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. સાંગનારાના સીમાડામાં વડવાળા તળાવ પાસે ગઇકાલે રાત્રિ દરમ્યાન પવનચક્કીના વીજ થાંભલાનાં સંપર્કમાં મોર આવવાથી મૃત હાલતમાં આજે સવારે મળી આવ્યો હતો. વનતંત્રે ઘટના સ્થળનું પંચનામું કરી મોરના દેહને લઇ ગઇ હતી. સાંગનારામાં આ રીતે મોરના મૃત્યુનો આ છઠ્ઠો બનાવ હોવાનું સરપંચ શંકરલાલ લીંબાણીએ જણાવ્યું હતું. જે રીતે પવનચક્કીનાં કારણે મોરના મૃત્યુ થઇ રહ્યા છે, તે જોતા આવનારા દિવસોમાં અહીં મોર લુપ્ત થઇ જશે તેવી દહેશત અને રોષ સાથે જણાવ્યું હતું કે, પવનચક્કીની વીજલાઇનો અંડરગ્રાઉન્ડ કરવાની માંગ પ્રત્યે તંત્ર ઉદાસિનતા દાખવી રહ્યું છે. આ આવનારા દિવસમાં મોરના ટહુકા વિલાય તેવા દિવસો આવશે. સરપંચ સાથે નાથાભાઇ જેપાર, ડાયાભાઇ લોન્ચા ઘટના સ્થળ પર હાજર રહ્યા હતા.