સોનાં-ચાંદી વાયદાના વેપારમાં આવતા મોટા ફેરફારનો કઈ રીતે ફાયદો મળે

સોનાં-ચાંદી વાયદાના વેપારમાં આવતા  મોટા ફેરફારનો કઈ રીતે ફાયદો મળે
ભુજ, તા. 4 : ભુજ બુલિયન મરચન્ટ એસોસીએશનના સભ્યો માટે સોના-ચાંદી જેવી કિંમતી કોમોડિટીના ઓનલાઈન ટ્રેડિંગના ફાયદા અને ભયસ્થાનો વિશે જાગૃતિ આપતો કાર્યક્રમ રિજિયોનલ સેમિનાર ઓન કોમોડિટી ડેરિવેટિવ્સ તા. 21-11 સોમવારે ભુજ ખાતે સેક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ-સેબી તેમજ મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ - એમસીએક્સના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. શરૂઆતમાં ભુજ સંસ્થાના પ્રમુખ ભદ્રેશ દોશી અને અન્ય હોદ્દેદારો દ્વારા પીએમટી બુલિયન એમસીએક્સના સિનિયર મેનેજર પૂજાબહેન લાડ અને સેબીના ડેપ્યુટી જનરલ મેનેજર ભગવાનદાસ સામરિયા (બંને મુંબઈ)ને પુષ્પગુચ્છ અને કચ્છી શાલથી આવકાર અપાયો હતો.  શ્રી સામરિયાએ સેબી અને મલ્ટિ કોમોડિટી એક્સચેન્જનો કામગીરીનો પરિચય આપી સોના-ચાંદીના વેપારીઓ સોના-ચાંદીના વાયદા વેપારનો હાલમાં આ કિંમતી ધાતુના ભાવમાં આવતા મોટા ફેરફારની પરિસ્થિતિમાં કઈ રીતે ફાયદો લઈ શકે તેની માહિતી આપી હતી. શ્રીમતી લાડે સોના-ચાંદીના ડેરિવેટિવ વેપાર અંગે હાજર સભ્યોને છણાવટ સાથે માહિતી આપી હતી. સોના-ચાંદીના વેપારીઓ પોતાના સ્ટોક પર ભાવમાં થતા અણધાર્યા અને મોટા ફેરફારો સામે કઈ રીતે અસરકારક પગલાં આવા ડેરિવેટિવ વેપાર દ્વારા લઈ શકે તે અંગે વિગતે રજૂઆત કરી હતી. આવા વેપારમાં વેપારીઓ કઈ રીતે ભાગ લઈ શકે અને કેવા પ્રકારની જાગૃતિની જરૂર પડે તે અંગે માર્ગદર્શન આપ્યું. આ અંગે પ્રશ્નોત્તરીમાં ભુજ સંસ્થાના મોટી સંખ્યામાં હાજર રહેલા સભ્યોમાંથી ઘણા વેપારીઓએ ભાગ લઈ પૂરક માહિતી મેળવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉપપ્રમુખો ધર્મેન્દ્ર બારમેડા, ગિરીશ સોલંકી, ખજાનચી અશોક ઝવેરી, સહખજાનચી સંજય છત્રાળા સહિતના હોદ્દેદારોએ સહયોગ આપ્યો હતો, તેવું મંત્રી વિજય બુદ્ધભટ્ટીની યાદીમાં જણાવાયું હતું.

© 2023 Saurashtra Trust