શિયાળાની ઋતુમાં સ્થાનિકે મળતા લીલા શાકભાજીનાં સેવન માટે શીખ

શિયાળાની ઋતુમાં સ્થાનિકે મળતા  લીલા શાકભાજીનાં સેવન માટે શીખ
મુંદરા, તા. 4 : તાજેતરમાં ધ્રબની સરકારી હાઈસ્કૂલમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. કૈલાસપતિ પાસવાનનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. હેલ્થ કાઉન્સિલર મહેન્દ્ર વાઘેલાએ પ્રસંગ પરિચય આપતાં શારીરિક, માનસિક તેમજ સામાજિક રીતે સ્વસ્થ રહીને રોગોથી બચી શકાય એ અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું. હેલ્થ સુપરવાઈઝર પ્રકાશ ઠક્કરે શિયાળાની સિઝનમાં સ્થાનિકે મળતા લીલા શાકભાજીનું સેવન કરવાની શીખ આપી હતી. ધ્રબના સામુદાયિક આરોગ્ય અધિકારી ડો. હસનઅલી આગરિયાએ બાળકોની આરોગ્ય તપાસ કરી હતી તથા નીતાબેન મકવાણાએ રોગોથી બચવા દરેક બાળકે સંપૂર્ણ રસીકરણ કરાવવું જોઈએ એની સમજ આપી હતી. હાઈસ્કૂલના આચાર્ય ચંદ્રેશભાઈ રાઠોડનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર અમીનાબેન તુર્ક, કુલસુમ આગરિયા, મેજબીન આગરિયા તથા અમીના આદમ તુર્કને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના નિકુલ પરમાર, દેવેન્દ્ર ચાવડા તથા હાઈસ્કૂલના શિક્ષકો હર્ષભાઈ પટેલ, સિદ્ધિબેન ભલાણી તથા સુરૈયાબેન તુર્ક સહયોગી રહ્યા હતા.

© 2023 Saurashtra Trust