બાંગલાદેશની આખરી વિકેટે ભારતની જીત છીનવી લીધી

બાંગલાદેશની આખરી વિકેટે ભારતની જીત છીનવી લીધી
મીરપુર, તા. 4 : બે પૂંછડિયા ખેલાડી મહેંદી હસન મિરાઝ (અણનમ 38 રન) અને મુસ્તાફિઝુર રહેમાન (અણનમ 10 રન) વચ્ચેની 41 દડામાં પ1 રનની અંતિમ વિકેટની ભાગીદારીથી ભારતની નિશ્ચિત સમાન જીત છીનવી લેતાં બાંગલાદેશનો 1 વિકેટે રસપ્રદ વિજય થયો હતો. 187 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા બાંગલાદેશની 136 રનમાં 9 વિકેટ પડી ગઈ હતી. આથી ભારત માટે જીત નિશ્ચિત સમાન હતી, પણ આઠમા ક્રમના બેટધર મહેંદી હસેને 11મા ક્રમના ખેલાડી મુસ્તાફિઝુર સાથે મળીને મેચના પાસા પલટાવ્યા હતા અને ભારતના હોઠે આવેલો વિજય પ્યાલો ઝૂંટવી લીધો હતો. બાંગલાદેશે 46 ઓવરમાં 9 વિકેટે 187 રન કરીને યાદગાર જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયાએ નિર્ણાયક તબક્કે કેચ પડતા મૂક્યા અને ખરાબ બોલિંગ કરી હતી. ખાસ કરીને વિકેટ પાછળ રાહુલે મહેંદી હસનનો આસાન કેચ પડતો મૂક્યો હતો. જે અંતમાં ભારતની હારનું મુખ્ય કારણ બન્યો હતો. મહેંદી હસન 39 દડામાં 4 ચોગ્ગા-2 છગ્ગાથી 38 રને અને મુસ્તાફિઝુર 11 દડામાં 2 ચોગ્ગાથી 10 રને અણનમ રહ્યા હતા. બન્ને વચ્ચે પ1 રનની ભાગીદારી થઈ હતી. જે વન ડેમાં બાંગલા ટીમ તરફથી સૌથી મોટી છે. બાંગલાદેશ તરફથી કામચલાઉ સુકાની લિટન દાસે 41, શકીબ અલ હસને 29 અને મુશફીકૂર રહેમાને 18 રનની ઈનિંગ રમી હતી. જયારે ભારત તરફથી સિરાઝે 3 વિકેટ લીધી હતી. ડેબ્યુ મેચમાં કુલદિપ સેનને અને વોશિંગ્ટન સુંદરને 2-2 વિકેટ મળી હતી. આ પહેલા ભારતે ટોચના ક્રમના બેટધરોની નિષ્ફળતા વચ્ચે વિકેટકીપર-બેટસમેન કેએલ રાહુલના 70 દડામાં પ ચોગ્ગા-4 છગ્ગાથી 73 રનની મદદથી 41.2 ઓવરમાં 186 રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. કપ્તાન રોહિત 27, ધવન 7, કોહલી 9, અય્યર 24 અને સુંદર 19 રને આઉટ થયા હતા. બાંગલાદેશ તરફથી સ્ટાર ઓલરાઉન્ડર શકિબ અલ હસને 36 રનમાં પ અને ઇબાદત હુસેને 47 રનમાં 4 વિકેટ લીધી હતી.

© 2023 Saurashtra Trust