મેસ્સીની મંત્રમુગ્ધ રમતથી આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇલનમાં

અલ રેયાન (કતાર), તા. 4 : સ્ટાર સ્ટ્રાઇકર લિયોનલ મેસ્સીએ તેની કારકિર્દીના 1000મી મેચમાં દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરીને ટીમ આર્જેન્ટિનાને ફીફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડી હતી. મેસ્સીની શાનદાર રમતથી પ્રી ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આર્જેન્ટિનાનો 2-1 ગોલથી વિજય થયો હતો. આ મેચમાં મેસ્સીએ તેની કેરિયરનો 789મો ગોલ કર્યો હતો. તેના અદ્ભુત ગોલથી આર્જેન્ટિનાને 3પમી મિનિટમાં સરસાઇ મળી હતી જ્યારે પ7મી મિનિટે ઓસ્ટ્રેલિયન ગોલકીપરની ભૂલથી જુલિયન અલ્વારેજે ગોલ કરીને સરસાઈ 2-0ની કરી દીધી હતી. મેચની 77મી મિનિટે આર્જેન્ટિના તરફથી અંજો ફર્નાંડીઝે આત્મઘાતી ગોલ (ઓન ગોલ) કર્યો હતો. જેથી ઓસ્ટ્રેલિયાને સરસાઇ ઘટાડીને સ્કોર 1-2થી કરવાનો મોકો મળ્યો હતો. જો કે અંતમાં આર્જેન્ટિના 2-1થી જીત મેળવી શાનથી વિશ્વ કપમાં 10મી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું. જયાં તેની ટકકર નેધરલેન્ડ સામે થશે. તેણે અમેરિકાને 3-1 ગોલથી હાર આપી હતી. લિયનોલ મેસ્સીનો ફીફા વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં આ પહેલો ગોલ છે. તેની ટીમ વર્ષ 2014ના વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચી હતી, પણ મેસ્સી નોકઆઉટ તબકકામાં કોઇ ગોલ કરી શક્યો ન હતો. આ સાથે મેસ્સીએ તેની કેરિયરનો 789 અને આર્જેન્ટિના માટે 94મો ગોલ કર્યો હતો.