રાવલપિંડી ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં

રાવલપિંડી, તા. 4 : રાવલપિંડીની સપાટ પીચ પર ઇંગ્લેન્ડના ડેક્લેરેશનના સાહસિક નિર્ણયથી પ્રથમ ટેસ્ટ મેચ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ છે. ઇંગ્લેન્ડે આજે મેચના ચોથા દિવસે તેનો બીજો દાવ 7 વિકેટે 264 રને ડિક્લેર કર્યો હતો. તેને પહેલા દાવમાં 78 રનની સરસાઈ મળી હતી. આથી પાકિસ્તાનને મેચના બાકી ચાર સત્રમાં 343 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં પાકે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 80 રન કર્યા હતા. કપ્તાન બાબર આઝમ 4 રને આઉટ થયો હતો, જ્યારે ઇમામ ઉલ હક 43 અને સુદ શકીલ 24 રને દાવમાં હતા. પહેલા દાવમાં સદી કરનાર અબ્દુલ્લાહ શફીક 6 રને આઉટ થયો હતો. અઝહર અલી ખાતું ખોલાવ્યા વિના રિટાયર્ડ હર્ટ થયો હતો. મેચના આખરી દિવસે પાક.ને જીત માટે 263 રનની જરૂર છે. જ્યારે ઇંગ્લેન્ડને 8 વિકેટની જરૂર છે. આજે મેચના ચોથા દિવસે બન્ને ટીમની મળીને કુલ 12 વિકેટ પડી હતી. આજે મેચની ખાસ વાત એ રહી હતી કે ઇંગ્લેન્ડનો જો રૂટ જે જમણેરી બેટધર છે તેણે ડાબોડી બની બેટિંગ કરી હતી અને 73 રન કર્યા હતા. આ પહેલા આજે મેચના ચોથા દિવસે ચાના સમયે ઇંગ્લેન્ડને તેની બીજો દાવ 3પ.પ ઓવરમાં ફટાફટ 264 રન 7 વિકેટે કરીને ડિક્લેર કર્યો હતો. આથી પાક.ને 343 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજા દાવમાં ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 69 દડામાં 73 રનની ઇનિંગ રમી હતી. રૂટે તેની ઇનિંગ દરમિયાન લેફટ હેન્ડ બેટિંગ પણ કરી હતી. રૂટ ઉપરાંત હેરી બ્રુક્સે 6પ દડામાં 87 અને ઓપનર જેક ક્રાઉલીએ ઝડપી પ0 રન કર્યા હતા. પાક. તરફથી નસીમ, મોહમ્મદ અને ઝાહિરે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે આજે સવારે પાકિસ્તાનને તેનો પ્રથમ દાવ 7 વિકેટે 499 રનથી આગળ વધાર્યો હતો અને પ79 રને ઓલઆઉટ થઈ હતી. ઇંગ્લિશ સ્પિનર વીલ જે કે 161 રનમાં 6 વિકેટ લીધી હતી.

© 2023 Saurashtra Trust