નાથન લિયોનનો રેકોર્ડ: અશ્વિનથી આગળ થયો
પર્થ, તા.4: અનુભવી ઓફ સ્પિનર નાથન લિયોનની 6 વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના અંતિમ દિવસે 164 રને જીત મેળવી છે. આથી બે ટેસ્ટની શ્રેણીમાં ઓસિ. ટીમ 1-0થી આગળ થઈ છે અને ફ્રેંક વોરેલ ટ્રોફી પણ પોતાની પાસે સુનિશ્ચિત કરી લીધી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આજે 498 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ચાના સમય પહેલા 333 રને ઓલઆઉટ થઈ હતી. લિયોને તેની 111 ટેસ્ટની કારકિર્દીમાં 21મી વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી છે. તેની હવે કુલ 446 વિકેટ થઈ છે. તે ભારતના રવિચંદ્રન અશ્વિન (442)થી આગળ થયો છે. બીજા દાવમાં વિન્ડિઝ તરફથી ક્રેગ બ્રેથવેટ સૌથી વધુ 110 રન કર્યા હતા. જ્યારે પૂંછડિયા ખેલાડી રોસ્ટન ચેઝે પપ અને અલ્જારી જોસેફે 43 રન કર્યા હતા. આ બન્નેએ આઠમી વિકેટમાં 82 રન કરીને ઓસ્ટ્રેલિયાને જીત માટે રાહ જોવડાવી હતી. લિયોને 128 રનમાં 6 અને કામચલાઉ સ્પિનર ટ્રેવિસ હેડે 2પ રનમાં 2 વિકેટ લીધી હતી. પહેલા દાવમાં ડબલ અને બીજા દાવમાં સિંગલ સદી કરનાર કાંગારુ બેટધર માર્નસ લાબુશેન પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. બન્ને ટીમ વચ્ચે બીજી અને આખરી ટેસ્ટ મેચ 8 ડિસે.થી રમાશે. જે ડે-નાઇટ હશે.