કપ્તાન રોહિતની સિદ્ધિ: અઝહરુદ્દીનને પાછળ છોડયો
મિરપુર, તા.4: બાંગલાદેશ વિરુદ્ધના પ્રથમ વન ડે મેચ દરમિયાન ભારતીય કપ્તાન રોહિત શર્માએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. આ મેચમાં રોહિતે 27 રનની ટૂંકી ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તે પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝહરુદ્દીનથી આગળ થયો છે. રોહિત શર્મા હવે વન ડે ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ રન કરનારા બેટધરોની સૂચિમાં છઠ્ઠા નંબર પર આવી ગયો છે. તેના ખાતામાં હવે 9403 રન છે જ્યારે અઝહરુદ્દીને તેની વન ડે કેરિયરમાં 9378 રન કર્યા હતા. સૌથી વધુ વન ડે રનનો વર્લ્ડ રેકોર્ડ સચિન તેંડુલકરનાં નામે છે. તેણે કુલ 18,426 રન બનાવ્યા છે. આ પછીના ભારતીય બેટધરોમાં વિરાટ કોહલી 12,344 રન સાથે બીજા નંબરે છે. સૌરવ ગાંગુલીએ 11,221 રન, રાહુલ દ્રવિડે 10,768 રન, એમએસ ધોનીએ 10,પ99 રન કર્યા છે. આ પછી રોહિત અને અઝહરુદ્દીનના નંબર આવે છે.