ગાંધીધામનું ઓવરબ્રિજનું કામ વીજતંત્રના વાંકે અટકી પડતાં થઇ મુશ્કેલી

ગાંધીધામનું ઓવરબ્રિજનું કામ વીજતંત્રના વાંકે અટકી પડતાં થઇ મુશ્કેલી
ગાંધીધામ, તા. 4 : શહેરના આંબેડકર સર્કલ પાસે બની રહેલા ઓવરબ્રિજનાં કામને છેલ્લા કેયલાક સમયથી બ્રેક લાગી ગઇ છે. અહીં વીજતંત્રના વાયર હટાવવા લેખિત જાણ કરાઇ?હોવા છતાં આ વાયર ન હટતાં કામ અટકી ગયું છે. બીજી બાજુ શકિતનગર બાજુ જવાના માર્ગ ઉપર માટીના ઢગલા કરી માર્ગ બંધ કરી દેવાતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલું ઓવરબ્રિજનું કામ સમયાંતરે વિવાદમાં રહ્યું છે. આ માર્ગ પર લાયન્સ ક્લબ અને શકિતનગર વચ્ચેના ભાગે વીજતંત્રના વીજ વાયર, થાંભલા આવેલા છે. આ વાયર અને થાંભલા ઓવરબ્રિજનાં કામમાં અડચણરૂપ હોવાથી આ બંને હટાવવા તંત્રને લેખિતમાં જાણ કરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. દોઢ મહિના પહેલાં થયેલી આ અરજી બાદ પણ અહીંથી વીજપોલ, વાયર ન હટતાં ઓવરબ્રિજની કામગીરી અટકી ગઇ છે. બ્રિજનું આ કામ 2023 એપ્રિલ પહેલાં પૂર્ણ કરવાનું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. પરંતુ કામમાં અડચણો આવતી હોવાથી ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ થઇ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. બીજી બાજુ ડો. હેમાંગ પટેલ હોસ્પિટલથી બાબાસાહેબ આંબેડકર સર્કલ બાજુ જતા સર્વિસરોડ પાસે શકિતનગર બાજુ જવાના માર્ગે માટીના ઢગલા મૂકી દેવાતાં કાર કે દ્વિચક્રીય વાહનો શકિતનગર બાજુ જઇ શકતાં નથી. ખાનગી ટ્રાવેલ્સની બસો અને તોતિંગ વાહનો આ રસ્તાનો ઉપયોગ કરતા હોવાથી સ્થાનિકોને અકસ્માતનો ભય હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ આ જાહેર માર્ગ બંધ કરી દેવાતાં અન્ય વાહનચાલકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ માર્ગને ત્વરિત ચાલુ કરાવવા લોકોએ માંગ કરી હતી.

© 2023 Saurashtra Trust