ભુજમાં કઢંગા ગતિઅવરોધકો માથાના દુ:ખાવારૂપ

ભુજમાં કઢંગા ગતિઅવરોધકો માથાના દુ:ખાવારૂપ
ભુજ, તા. 4 : ગત ઓગસ્ટ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહેરના ઐતિહાસિક ભુજિયા ડુંગર પર સ્મૃતિવનના લોકાર્પણ પ્રસંગની મુલાકાત વખતે યોજાયેલા રોડ શો દરમ્યાન મુખ્ય માર્ગો પરથી હટાવાયેલા સ્પીડબ્રેકરની જગ્યાએ નવા અને કઢંગા બનાવાયેલા ગતિરોધકો અકસ્માત નિવારકના બદલે અકસ્માતકારક હોવાથી શહેરીજનો માટે માથાના દુ:ખાવા સમાન બની રહ્યા છે. ભૂકંપ પીડિતોની યાદમાં શહેરના ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવનનું ગત 28મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ અવસરે એરપોર્ટ રોડથી સ્મૃતિવન સુધી રોડ શો યોજાયો હતો, જેમાં માર્ગમાં આવતા દરેક ગતિ અવરોધકોને તંત્ર દ્વારા દૂર કરાયા હતા. આ ગતિરોધકો નીકળી જતાં શહેરમાં બેફામ દોડતા વાહનો થકી અકસ્માતના અનેક બનાવો બનતાં આ સ્પીડબ્રેકર ફરી બનાવવામાં આવ્યા છે પરંતુ આડેધડ, કઢંગા અને નિયમ વિરુદ્ધના આ ગતિ અવરોધકો લોકોની જાનનું જોખમ સર્જી રહ્યા છે, તો એકાદ-બે કિસ્સામાં જીવલેણ પણ સાબિત થઈ ચૂક્યા હોવા છતાં તંત્રની આળસ ઉડતી ન હોવાનો બળાપો શહેરના નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. વળી કેટલીક જગ્યાએ તો સફેદ કલરના પટ્ટા (ઝીબ્રા ક્રોસિંગ) ન હોવાથી ધ્યાન ન જવાથી વાહનો ફંગોળાઈ જઈ ચાલક ઈજાગ્રસ્ત થવાના બનાવો પણ નિયમિત બની રહ્યા છે. આવા બનાવો બન્યા બાદ કયારેક જાગતું તંત્ર ગતિરોધકો બનાવે છે, પરંતુ તરત જ તેના પરથી પસાર થતા ભારેખમ વાહનોના કારણે આ ગતિઅવરોધકો ઊંચા-નીચા અને ઢંગધડા વગરના થઈ જવાથી અકસ્માતો સર્જી રહ્યા છે અને ફોર વ્હીલર વાહનોના તળિયાને અડી જતા હોવાથી વાહનોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. ખરેખર તો આ ગતિ અવરોધકો બનાવતી વખતે રસ્તો બંધ કરી નાખવો જોઈએ જેથી તેની મજબૂતાઈ જળવાય. વળી કેટલાક માર્ગો પર વગ ધરાવતા લોકો તંત્ર પર દબાણ કરી મનફાવે ત્યાં જરૂર કરતાં વધારે અને ટૂંકા અંતરમાં અનેક સ્પીડબ્રેકર બનાવડાવી વાહનચાલકોની મુશ્કેલી વધારી રહ્યા છે, તો કેટલાક રસ્તાઓ પર શેરીએ-શેરીએ આવા ગતિ અવરોધકો ઉભા કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ જાગૃતો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નિયમ મુજબ ગતિરોધકો શહેરી વિસ્તારમાં નાના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારમાં 3 મીટર પહોળા અને 10 સેમિ. ઊંચાઈના હોવા જોઈએ તેના બદલે ઠીક લાગે તેમ ડામર અને કાંકરીના ઢગલા કરી માથે રોલર ફેરવી દેવાય છે. વળી સ્પીડબ્રેકરથી અગાઉ સાવચેતી સૂચક બોર્ડ લગાવવાનું હોય છે, તો ગતિરોધકો પર પેઈન્ટના કાળા અને સફેદ બેન્ડ લગાવવાના હોય છે પરંતુ આવા નિયમોનો છેદ ઉડી રહ્યો હોય તેમ શહેરમાં ઢંગધડા વગરના ગતિરોધકો બનાવી તંત્ર સંતોષ માની બેસી રહ્યું હોય તેવો તાલ સર્જાયો છે. ઉપરાંત હવે તો શેરીએ શેરીએ લોકો દ્વારા કોંક્રીટના એકદમ ઊંચા સ્પીડબ્રેકરો ઉભા કરી દેવાયા છે જેને તંત્ર દ્વારા દૂર કરી નિયમ મુજબના બનાવવા જોઈએ તેવો સૂર જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો વડાપ્રધાનની મુલાકાત બાદ સંલગ્ન તંત્ર દ્વારા નિયમસરના જ ગતિઅવરોધકો બનાવાયા હતા પરંતુ પૂરપાટ ઝડપે દોડતા વાહનો થકી સર્જાતા અકસ્માતોના કારણે ઉઠેલી લોક ફરિયાદો બાદ આ સ્પીડબ્રેકરો પર સુધરાઈ તંત્ર દ્વારા ડામર પાથરી ઊંચા કરી દેવાયા છે જે નાના વાહનચાલકો માટે માથાના દુ:ખાવારૂપ બની રહ્યા છે. જોકે, તંત્ર દ્વારા નિયમ મુજબ સ્પીડબ્રેકર બનાવે છે તો કેટલીક જગ્યાએ આસપાસના રહેવાસીઓ ઊંચા બનાવવાનો દુરાગ્રહ રાખી રાજકીય દબાણ લાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. દરમ્યાન આ અંગે માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ચિરાગ ડુડિયાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારના રસ્તા નગરપાલિકા અને ભાડા હસ્તક આવે છે, તેમ છતાં અમોને કામ સોંપવામાં આવે તો અમે નિયમસરના ગતિઅવરોધકો બનાવીએ છીએ. જ્યારે નગરપાલિકાની બાંધકામ શાખાના ચેરમેન મનુભા જાડેજાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં રિંગરોડ પરના આવા સ્પીડબ્રેકરો દૂર કરી નિયમ મુજબના નવા ગતિઅવરોધકો બનાવાશે. લોકોની ફરિયાદો આવશે તો શહેરની ગલીએ ગલીએ ફૂટી નીકળતા ઢંગધડા વગરના આવા ગતિરોધકો દૂર કરાશે.

© 2023 Saurashtra Trust