પચ્ચીસથી વધુ શાળાના 200 છાત્રએ ચિત્ર દોરી વિજ્ઞાન વિશે વિચાર રજૂ કર્યા

ભુજ, તા. 4 : રીજનલ સાયન્સ સેન્ટર -ભુજ દ્વારા `ઇન્ટરનેશનલ વીક ઓફ સાયન્સ એન્ડ પીસ`ની ઉજવણી નિમિતે આ વર્ષની થીમ 'બેઝિક સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ' અંતર્ગત નિ:શુલ્ક ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જિલ્લાની 25થી વધુ શાળાના 200 વિદ્યાર્થીઓએ સ્કૂલ મારફતે રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો. બંને કેટેગરીના વિજેતાઓને સર્ટિફિકેટ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. પ્રથમ ક્રમ- રૂ. 1500, દ્વિતીય - રૂ. 1000 અને તૃતીય - રૂ. 500 અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સેવ લેન્ડ, સેવ વોટર, સેવ ફોરેસ્ટ, સેવ લાઈફ, સેવ એર અને સેવ સીમાંથી કોઈપણ એક અથવા વધારે વિષય પર ચિત્રો બનાવ્યા હતા. આ સ્પર્ધામાં બાળ કલાકારોએ પોતાના વિચારને ચિત્રકલા વડે અભિવ્યકત કર્યા હતા. ચિત્ર સ્પર્ધાના નિર્ણાયકો તરીકે હીરાલાલ બલવા તથા દિનેશભાઇ સોની ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ કેટેગરી ધોરણ 5 થી 7 માં પ્રથમ ક્રમે શ્રીમયી પંચાણી (સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ - ભુજ ), દ્વિતીય ક્રમે આરાધ્યા (કેન્દ્રિય વિદ્યાલય -1 - ભુજ) અને તૃતીય ક્રમે શિવ બદિયાણી (દિવ્ય બ્રહ્મલોક) બીજી કેટેગરી ધોરણ 8 થી10 માં પ્રથમ ક્રમે પ્રાપ્તિ પંચાણી (સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ - ભુજ ), દ્વિતીય ક્રમે સ્નેહા સુરેશ ભુડિયા ( દૂન પબ્લિક સ્કૂલ) અને તૃતીય ક્રમે વિધિ ઠકકર ( દૂન પબ્લિક સ્કૂલ )ને વિજેતા જાહેર કરાયા હતા. સંચાલન સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એક્ટિવિટી કો ઓર્ડીનેટર હિરેન રાઠોડ, શુભમ સિંઘ, ક્રિષ્ના માવાણી, દિશા ચાવડા, ભાવના ગઢવી અને રિષિ ગોર દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્રના સ્ટાફે સહયોગ આપ્યો હતો.