કચ્છની ટ્રેનોનાં સુપરફાસ્ટનાં લેબલ હટાવવા પ્રવાસી સંઘ દ્વારા માગણી

કચ્છની ટ્રેનોનાં સુપરફાસ્ટનાં લેબલ હટાવવા પ્રવાસી સંઘ દ્વારા માગણી
મુંબઇ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છ પ્રવાસી સંઘના પ્રતિનિધિઓએ પશ્ચિમ રેલવેના નવનિયુક્ત જનરલ મેનેજર સમક્ષ કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી એક્સપ્રેસમાંથી સુપરફાસ્ટ એક્સપ્રેસના લેબલ દૂર કરવા અથવા સ્ટોપ ઘટાડવાની માગણી કરી હતી. સંસ્થાના પ્રતિનિધિઓએ વેસ્ટર્ન રેલવે હેડક્વાર્ટર ખાતે નવા નીમાયેલા જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રાનું અભિવાદન કર્યું હતું. આ સાથે એક આવેદનપત્ર અપાયું હતું જેમાં જણાવાયું હતું કે, કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી એક્સપ્રેસમાં સુપરફાસ્ટ એક્સપ્રેસના લેબલ લગાવાયા છે પરંતુ આ બંને ટ્રેન વધુ સ્ટોપ લે છે. કચ્છ-મુંબઇનું અંતર 839 કિ.મી. છે પરંતુ સયાજીનગરી ટ્રેન 28 સ્ટોપ લે છે. બંને ટ્રેનમાં બે સ્ટોપ પ્રાયોગિક ધોરણે વધારવામાં આવ્યા છે. સંસ્થાએ જણાવ્યું હતું કે, બંને ટ્રેનમાં સ્ટોપ ઓછા કરવામાં આવે અથવા સુપરફાસ્ટ એક્સપ્રેસનું લેબલ કાઢી નાખવામાં આવે જેથી ટિકિટનો દર ઓછો થાય. આ પહેલાં સંસ્થાએ વખતો વખત રેલવે પ્રશ્નોની રજૂઆત કરી છે. ઉનાળુ તથા દિવાળી વેકેશન માટે સ્પેશ્યલ ટ્રેનો મેળવી હતી. કાર્તિક પૂર્ણિમા વખતે મુંબઇ સેન્ટ્રલથી ખાસ ટ્રેન દોડાવવામાં આવી હતી. પ્રતિનિધિ મંડળમાં નિલેશ શ્યામ શાહ, રમેશ સાવલા, લક્ષ્મીચંદ વોરા, ચંદ્રેશ ચંદ્રકાંત શાહ અને ભરત વાલજી નિશર સામેલ રહ્યા હતા.

© 2023 Saurashtra Trust