ભુજ-માધાપરમાં મચ્છરો પર `સર્જિકલ સ્ટ્રાઇક''

ભુજ, તા. 4 : મેલેરિયા નાબૂદી ઝુંબેશને સઘન બનાવવા ચોમાસામાં અંકુશમાં આવેલી સ્થિતિને શિયાળામાં સંધિકાળમાં જાળવી રાખવા મચ્છરો અને તેમના પોરાંના નાશ માટે ભુજ અને માધાપરના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આરોગ્ય વિભાગે 39 ટીમ ઉતારી `સર્જિકલ સ્ટ્રાઇક' કરી હતી. આ કાર્યવાહીમાં 13083 લોકોને આવરી લેતી તપાસમાં 13 મેલેરિયાના શંકાસ્પદ કેસ જણાયા હતા, જ્યારે ડેન્ગ્યુનો એક પણ શંકાસ્પદ કેસ દેખાયો નહોતો. બબ્બે સભ્યની ભુજ તાલુકાની આરોગ્ય વિભાગની 39 ટીમે 3193 ઘરનો સર્વે આદર્યો હતો, જેમાં 40 લોકોના મેલેરિયાની તપાસ અર્થે લોહીના નમૂના લેવાયા હતા. લોકોના રહેણાક વિસ્તારમાં પાણીના ભરાયેલા 13,855 પાત્રો ચકાસતાં જેમાંથી 38 ઘરમાં પોરા જણાયા હતા. આવા 47 પાત્ર ખાલી કરાવાયા હતા અને જ્યારે 48 પાત્રમાં પોરાનાશક દવા એબેટ નખાઇ હતી. શંકાસ્પદ જણાયેલા 17 કેસને ઓઆરએસ જ્યારે બે જગ્યાએ કલોરીનની ગોળીનું વિતરણ કરાયું હતું. ત્રણ વિસ્તારમાં મળીને 11 સ્થળે કલોરીન ટેસ્ટ કરાયા હતા. આ કામગીરી દરમ્યાન 4421 લોકોને આરોગ્ય જાગૃતિ શિક્ષણ પણ અપાયું હતું. શનિવારે સવારે 9થી બપોર બાદ આ કામગીરી જિલ્લા મેલેરિયા અધિકારી પ્રકાશભાઇ દુર્ગાણી અને ભુજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડી. કે. ગાલાના માર્ગદર્શન અને ભુ.તા. સુપર વાઇઝર આશિતભાઇ શાહના આયોજન હેઠળ તાલુકાભરના 78 આરોગ્ય કર્મચારીએ કામગીરી કરી હતી.

© 2023 Saurashtra Trust