ગોસ્વામી સમાજનાં સમૂહલગ્નમાં 16 દંપતીનાં પ્રભુતામાં પગલાં

અંજાર, તા. 4 : દશનામ ગોસ્વામી વરલી પરિવાર સમાજ દ્વારા 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હરેશગિરિ ગોવિંદગિરિ ગોસ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયેલા લગ્નોત્સવમાં 16 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. જેમાં મુખ્ય યજમાનપદે રમેશગિરિ કરશનગિરિ ગોસ્વામી, મનોજપુરી તુલસીપુરી ગોસ્વામી, અનિલભાઈ પુરોહિત રહ્યા હતા. સમારંભના પ્રારંભે સમાજના વડીલો અને સંતો-મહંતોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ગણેશ સ્થાપન, સાતક, માંડવા હસ્તમેળાપ અને સાથે સમાજ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના વડીલ ભીમગિરિ હીરાગિરિ ગોસ્વામીએ નવદંપતીઓને આશીર્વાદ સાથે ઉદ્બોધન આપ્યું હતું. અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ અમૃતગિરિ ગોસ્વામીએ અભિનંદન આપ્યા હતા. અંજાર ગોસ્વામી સમાજના પ્રમુખ ત્રંબકપુરી ગોસ્વામી સરકારી કામગીરીમાં મદદરૂપ થયા હતા. અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના મીડિયા સેલ કન્વીનર બળદેવપુરી ગોસ્વામીએ પોતાના વકતવ્યમાં સમાજના મધ્યમ વર્ગના પરિવારોને મેડિકલ સહાય મદદરૂપ બનવા સમાજને અનુરોધ કર્યો હતો. સમૂહ લગ્નોત્સવને માણવા માટે દસે તાલુકા તથા વાગડ વિસ્તારના પ્રમુખોએ હાજરી આપી હતી. સમાજને એક તાંતણે બાંધવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. સમાજ અને સામાજિક ક્રિયા- પ્રતિક્રિયા વિના સમાજ અસ્તિત્વમાં નથી તેને એક જીવનમંત્ર તરીકે કલ્પી શકાય છે. જ્યારે એક સામાજિક વ્યવસ્થા તરીકે માનવસમાજએ સામાજિક સંબંધોનું જટિલ ગઠન છે. જેના દ્વારા દરેક માનવી અન્ય માનવી સાથે પરસ્પર સંકળાયેલો રહે છે. એટલે કે માત્ર પ્રાદેશિક જૂથ નથી, માનવીઓનો સમુચ્ચય કે માત્ર એકઠા થવું એ પણ નથી, પરંતુ માનવી-માનવી વચ્ચેના પારસ્પરિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે આમ સમાજ ઔપચારિક અને અનૌપચારિક ધોરણો અને પ્રણાલિકાઓ, સત્તા અને પરસ્પરિક મદદ, અનેક જૂથો અને વિભાગો સ્વાતંત્ર્ય અને નિયંત્રણની વ્યવસ્થા છે, એમ જણાવાયું હતું. વરલી પરિવાર દશનામ ગોસ્વામી સમાજના નારાયણગિરિ જાદવગિરિ, હિંમતગિરિ કૈલાશગિરિ, મહેન્દ્ર-ગિરિ, કિશોરગિરિ, લખનગિરિ, અલ્પેશગિરિ, રુદ્રેશગિરિ, જીગર-ગિરિ, ચેતનગિરિ, જેન્તીગિરિ, સંદિપગિરિ, રમેશગિરિ, દિલીપ-ગિરિ, મનોજગિરિ તથા તમામ સભ્યોએ સહયોગ આપ્યો હતો. સંચાલન ગિરજાગિરિ, નિલેશ-ગિરિએ કર્યું હતું.

© 2023 Saurashtra Trust