જ્ઞાતિજનોના ઉત્સાહથી જ સમાજના દરેક કાર્યક્રમો સફળ થાય

સુખપર, તા. 1 : લોહાણા મહાજનના પ્રમુખ પ્રભુભાઇ ઠક્કરના અધ્યક્ષસ્થાને સુખપર લોહાણા યુવક મંડળ દ્વારા તાજેતરમાં જ્ઞાતિના તેજસ્વી છાત્ર-છાત્રાને સન્માનવા માટે સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં પ્રારંભ સુખપર યુવક મંડળના પ્રમુખ ભાવિનભાઇ સોમૈયા તથા ધવલ મિરાણીએ વિવિધ રમતોનું આયોજન કર્યું હતું. સરસ્વતી સન્માનના કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ તથા મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું. આમંત્રિત મહેમાનોમાં વાગડ રઘુવંશી  પરિવારના પ્રમુખ ભરતભાઇ રાણા, માનકૂવા લોહાણા મહાજનના પ્રમુખ ધીરજલાલ પૂજારા, મિરઝાપર મહાજનના પ્રમુખ અશ્વિનભાઇ ઠક્કરનું અનુક્રમે સુખપર મહાજનના પ્રમુખ પ્રભુભાઇ ઠક્કર, મંત્રી અરવિંદભાઇ જોબનપુત્રા,  ઉપપ્રમુખ કીર્તિભાઇ મજેઠિયા, અશોક રાણા દ્વારા સન્માન કરાયું હતું. ભરત રાણાએ પ્રવચનમાં તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન સાથે જ્ઞાતિ એકતા હજુ કેમ વધુ મજબૂત બને તેના માટેના સૂચનો કર્યા હતા. પ્રમુખ પ્રભુભાઇ ઠક્કરે વિદ્યાર્થીઓને ઇનામ તથા મેડલ અર્પણ કરીને પ્રવચનમાં કહ્યું કે, જ્ઞાતિજનોના ઉત્સાહથી જ સમાજના દરેક કાર્યક્રમો સફળ થાય છે. યુવક મંડળના પ્રમુખ દ્વારા પોતાની 3 વર્ષ મુદ્દત પૂરી થાય છે અને યુવક મંડળમાં નવા પ્રમુખ માટે જ્ઞાતિના પ્રમુખને સૂચન કરેલ તો દરેકે આગળના યુવક મંડળના પ્રમુખ ભાવિન સોમૈયાનું જ સૂચન કરાતાં સહસંમતિથી મહાજનના પ્રમુખે ફરીથી ભાવિનભાઇને આમંત્રણ આપતાં સૌએ હર્ષભેર વધાવીને યુવક મંડળના પ્રમુખની જવાબદારી ફરી 3 વર્ષ માટે સોંપી હતી. સંચાલન ધવલ મિરાણી, મેહુલ જોબનપુત્રા, દુર્વા મિરાણી, પૂર્વા મિરાણીએ કર્યું હતું. આ અવસરે સમગ્ર મહિલા મંડળની ટીમ, શાંતાબેન ઠક્કર, જયશ્રીબેન ઠક્કરનો આર્થિક સહયોગ મળ્યો હતો. આભારવિધિ મહાજનના પ્રમુખે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ભાવિન સોમૈયા, ધવલ મિરાણી, મેહુલ જોબનપુત્રા, હિતેશ તન્ના, શૈલેષભાઇ સોનેતા વિગેરેએ જહેમત ઉઠાવી એમ મંત્રી અરવિંદભાઇ જોબનપુત્રાની યાદીમાં જણાવાયું હતું.

© 2023 Saurashtra Trust