કચ્છમાં 600 બાળકે ગીતા પઠનની પરીક્ષા આપી

ભુજ, તા. 3 : ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા દર વર્ષે ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠનની મૌખિક પરીક્ષાઓ તેમજ 700 શ્લોકોની સંપૂર્ણ ગીતાજીની પરીક્ષાઓ લેવાય છે. ગીતાજી જયંતીના દિને ભુજ ખાતે 11 સંસ્થાઓ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. પાઠશાળા ખાતે ગીતાજીનો બીજો, 12મો અને 15માં અધ્યાયની મૌખિક પરીક્ષાઓ લેવાઇ હતી. જેમાં ભુજની જુદી જુદી શાળાઓના 600 જેટલા હિન્દુ-મુસ્લિમ બાળકોએ પરીક્ષાઓ આપી હતી. પૂજનવિધિ રમેશ વૈદ્ય, અનુપમ શુક્લ અને તુષાર ધોળકિયાએ કરાવી હતી. સ્વામિનારાયણ મંદિરના સંત ડો. સ્વામી સત્યપ્રસાદજી અને શાત્રી હરિવલ્લભદાસજીએ શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન વિભાકર અંતાણીએ જ્યારે વ્યવસ્થામાં જીતુભાઇ છાયા અને અક્ષયભાઇ અંતાણી જોડાયા હતા. તો સત્યમ અને તાનારીરી મહિલા મંડળ દ્વારા ઝૂંપડે રહેતા તેમજ એકલા અટુલાઓને ધાબડાઓનું વિતરણ દાતાઓના સહયોગથી કરાયું હતું. અમદાવાદના દર્શનભાઇ વૈષ્ણવ તેમજ ભુજના મંજુલાબેન જનસારી, રાજકોટના કે.એન. ગોહેલ, અમદાવાદના સત્યેન્દ્રભાઇ પટણી, અતુલ પાઠક તેમજ નયનાબેન કેરાઇનો સહયોગ મળ્યો હતો. દર્શક અંતાણી સહિત જોડાયા હતા.

© 2023 Saurashtra Trust