અંજારના 10.16 લાખની વીજળીચોરીના કેસમાં બન્ને આરોપીને નિર્દોષ ઠેરવાયા
ભુજ, તા. 4 : અંજાર શહેરના રૂા. 10.16 લાખની વીજળીની ચોરીના કેસમાં બે આરોપી સફીયાબાનુ ગફુરભાઇ બાવા સમા અને વાસુદેવાસિંહ સુખુભા જાડેજાને ખાસ અદાલતે નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડના સ્ટાફની તપાસણી દરમ્યાન અંજારના શફીયાબાનુ સમાના પ્લોટમાં કરાયેલા બાંધકામ અને આ પ્લોટ વાસુદેવાસિંહ જાડેજાને વેચાયા બાદ તેના ઉપર મીનરલ વોટર પ્લાન્ટ ચલાવીને વિદ્યુત મીટરમાં છેડછાડ સાથે વીજળીની ચોરી કરાયાનો કેસ આ કિસ્સામાં કરાયો હતો. ઇલેકટ્રીકસીટી ધારાના કેસો માટેની ભુજ સ્થિત ખાસ અદાલત સમક્ષ આ કેસની સુનાવણી થઇ હતી. 13 સાક્ષી અને બાવીસ દસ્તાવેજી પુરાવા તપાસવા સાથે ફરિયાદ પક્ષ આરોપી સામે પુરતા પુરાવા રજુ કરવામાં નિષ્ફળ રહયાના તારણ સાથે કોર્ટએ બન્ને આરોપી સફીયાબાનુ અને વાસુદેવાસિંહને નિર્દોષ મુકત કરતો ચુકાદો આપ્યો હતો. કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે એ.આર. મલેક સાથે જગદિશ પી. ગુંસાઇ, પ્રફુલ્લકુમાર બી. સીજુ, સાહેબા પઠાણ, નવિન સીજુ અને ફરહાનખાન સિંધી રહયા હતા. મનાઇહુકમ અરજી મંજૂર માતાપિતા દ્વારા મુકાયેલી બાંધી મુદતની થાપણ અંગેના કેસમાં વિલની રૂએ પ્રોબેટ મળવા બાબતે કરાયેલી અરજી વિશેના કેસમાં એફ.ડી. સામે મનાઇહુકમ આપતો આદેશ ભુજના ત્રીજા સિનિયર સિવિલ જજની અદાલત દ્વારા કરાયો હતો. કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી આ રકમ કોઇને આપવી નહીં તેવો કોર્ટએ આદેશ કર્યો હતો. અરજી કરનારા વાદી મનજી વેલજી આંબા કેરાઇના વકીલ તરીકે હરેશ જે. જોશી અને દિપેન એચ. જોશી રહયા હતા.